Ahmedabad: આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા ધરાવતાં ભવ્ય ફૂડ ફેસ્ટિવલ, ફૂડ ફોર થોટ ફેસ્ટનો (Food For Thought Fest 2024) શુક્રવારથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રારંભ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા SAG (સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમી)ના સહયોગથી આયોજિત આ ફેસ્ટિવલ સ્વાદ, સંસ્કૃતિ અને ચર્ચાનો અનોખો સંગમ છે.
ફૂડ ફોર થોટ ફેસ્ટનું ઉદઘાટન સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકી, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
SAGના સ્થાપક મનિષ બહેતીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, અમદાવાદમાં ભારતની સૌથી જાણીતી લક્ઝરી ગેસ્ટ્રોનોમી ઇવેન્ટ ફૂડ ફોર થોટ ફેસ્ટનું આયોજન કરવું એ અમારું સૌભાગ્ય છે. આ ફેસ્ટ માત્ર સ્વાદના રસિયાઓ માટે જ નહીં, પરંતુ પાકકળાની ચર્ચા, વિવિધ વાનગીઓ અને ફૂડને લગતી તમામ બાબતોની ઉજવણી માટે એક આગવું ફોરમ પણ છે.
અમારી પાસે સમગ્ર ભારત અને ઉપખંડના માસ્ટર શેફ છે, જે તેમની અનોખી પાકકલાની નિપુણતા દર્શાવશે. અમે અમદાવાદના લોકોને દક્ષિણ એશિયાના સમૃદ્ધ પાકકલાના વારસાના સાક્ષી બનવા આમંત્રણ આપીએ છીએ.
ઉદઘાટનના દિવસે પદ્મશ્રી ડો.પુષ્પેશ પંત, નેપાળની રોહિણી રાણા, શ્રીલંકાના શેફ રજિત આબેસેકારા અને બાંગ્લાદેશની નાહિદ ઉસ્માન જેવી જાણીતી હસ્તીઓનું રસપ્રદ પેનલ ડિસ્કશન યોજાયું હતું.
"કન્ઝર્વેશન ઓફ રોયલ કલિનરી હેરિટેજ" વિષય પર આયોજિત એક પેનલ ડિસ્કશનમાં "કિચન ઓફ ધ કિંગ્સ"ના સ્થાપક અંશુ ખન્નાએ બાલાસિનોર, છોટા ઉદેપુર, નેપાળ અને છતરીના રાજવી પરિવારો સાથે ચર્ચા કરી હતી.
8 થી 10 માર્ચ દરમિયાન યોજાનારા આ ફૂડ ફોર થોટ ફેસ્ટમાં ત્રણ મુખ્ય સેગમેન્ટ-ફૂડ ફેસ્ટ, થોટ ફેસ્ટ અને ફન ફેસ્ટનો સમાવેશ થાય છે. ફેસ્ટિવલમાં ભાગ લેનારા પાર્ટિસિપન્ટ્સ દક્ષિણ એશિયાની રાંધણકળાની માહિતી મેળવી શકશે, જેમાં ચર્ચા, કૂકરી ડેમો, ફૂડ કોર્ટ, બજાર અને લાઈવ એન્ટરટેઈનમેન્ટનો સમાવેશ થાય છે.
‘અ ટેસ્ટ ઓફ લક્ઝરી’ અને ‘ધ રિજનલ ફ્લેવર’ એમ બે અલગ જ પ્રકારની થીમ સાથે ફૂડ કોર્ટ તૈયાર કરાયા છે જેમાં લકઝરી હોટલ દ્વારા તેમની ટોચની વાનગીઓ પિરસવામાં આવશે તથા સ્ટ્રીટ ફૂડ વેન્ડર પ્રાદેશિક વાનગીઓ રજૂ કરશે.
આ ફેસ્ટિવલમાં વાનગીઓના ત્રણ અલગ પેવેલિયન પણ રાખવામાં આવ્યા છે. જેમાં રોયલ પેવેલિયનમાં રાજવી પરિવારોની વાનગીઓ રજૂ કરાશે. સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પુરીના જગન્નાથ મંદિર તથા વૃંદાવનના રાધા રમણ મંદિર એ બે જગપ્રસિદ્ધ મંદિરોમાં ભોગ રૂપે ધરાવતી વાનગીઓ રજૂ કરાશે, જ્યારે વેલનેસ પેવેલિયનમાં આધુનિક ભારતીય વાનગીઓનો સમાવેશ કરાયો છે. જેમાં સેલિબ્રિટી શેફ ગૌતમ મહર્ષિ, આયુર્વેદમાં દર્શાવાયેલ શરીરના ત્રણ પ્રકાર મુજબની વાનગીઓ રજૂ કરશે.
કોફી પ્રેમીઓએ સૂત્રા કોફીના કોફી પેવેલિયન મુલાકાત અચૂક લેવી જોઈએ. જ્યાં ફેસ્ટિવલમાં આવનાર લોકો ખેતરથી લઈને કોફીના કપ સુધીની કોફીની સફરનો અનુભવ માણી શકશે.
ફેસ્ટિવલમાં ભાગ લેનારાઓને ભારતમાં જન્મેલા અને બ્રિટનમાં રેસ્ટોરાં ધરાવતા અને લંડનની "દાર્જિલિંગ એક્સપ્રેસ" રેસ્ટોરાંના માલિક અસ્મા ખાન, શેફ મનીષા ભસીન, ITC હોટેલ્સના કોર્પોરેટ શેફ અને સેલિબ્રિટી શેફ સુવિર સરન દ્વારા બે કૂકરી માસ્ટરક્લાસ અપાયા હતાં.
આ દિવસે રોહિણી રાણાની લેટેસ્ટ કુકબુક "108 રેસિપીઝ ફ્રોમ નેપાળ"નું લોન્ચિંગ અને પુરસ્કાર વિજેતા છાઉ કલાકાર ગોવિંદ મહાતો દ્વારા શિવ તાંડવનું આકર્ષક નૃત્ય પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું. દિવસના અંતે જાણીતા સૂફી કલાકાર ફરહાન સાબરીના અદભૂત પરફોર્મન્સે લોકોના મન મોહી લીધાં હતાં. ફૂડ ફોર થોટ ફેસ્ટના આગામી બે દિવસમાં રસપ્રદ પેનલ ડિસ્કશન, કૂકરી માસ્ટરક્લાસ, લાઇવ એન્ટરટેઇનમેન્ટ અને અન્ય આકર્ષણો સામેલ છે.
3 દિવસના ફૂડ ફેસ્ટિવલ માટે કેવા પ્રકારનું આયોજન?
- ઈવેન્ટનો સમય ત્રણેય દિવસે બપોરે 12 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે. પ્રવેશ ફી દરેક વ્યકિત માટે (રૂા.50) ટિકિટ બારી ઇવેન્ટ સેન્ટર પર રાખવામાં આવશે. 12 વર્ષથી નીચેના બાળકો ની એન્ટ્રી ફી રહેશે. ફૂડ ફેસ્ટિવલ અંતર્ગત બુક માય શો ઉપરથી ટિકિટ ઓનલાઈન બુક કરી શકાશે.
- લોન-Bમાં કુકરી ડેમો, પેનલ ચર્ચાઓ અને મનોરંજન અને સાર્વજનિક ફૂડ માટેનું મુખ્ય સ્ટેજ હશે. સામાન્ય ટિકિટની કિંમતમાં લોન-બી અને અન્ય સ્ટોલની એકસેસ સામેલ હશે. મુખ્ય સ્ટેજ ઉપર (A) માસ્ટર / સેલિબ્રિટી શેફ દ્વારા કુકરી ડેમો પ્રદર્શિત કરાશે (B) ક્રિકેટ આઈકોન્સ, રસોઈ પુસ્તકના લેખકો, સૌદર્ય અને ફિટનેસ નિષ્ણાતો દ્રારા પેનલ ચર્ચા ઉપરોકત પ્રોગ્રામો બપોરમાં 12 કલાકથી સાંજના 6 કલાક સુધી રહેશે. (C) લાઈવ સાંસ્કૃતિક અને સંગીતમય પર્ફોમન્સ સાંજના 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી રહેશે.
- ફેસ્ટિવલ દરમ્યાન રીજીયોનલ ફુડ કોર્ટ ખાતે વિવિધ વાનગીઓ પીરસનાર 52 ફુડ સ્ટોલ્સ અને ટેસ્ટ ઓફ લકઝરી ખાતે 18 ફુડ સ્ટોલ્સ રહેશે.
- અહી એક અનોખો કોફી પેવેલીયન જ્યાં મુલાકાતીઓને જીવંત કોફી પ્લાન્ટ, લીલી કોફી બીન્સ, શેકવાની પ્રક્રિયા, અરેબીકા અને રોબસ્ટાની જાત વચ્ચેનો તફાવત સમજાવવામાં આવશે અને છેલ્લે તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ માણી શકશે.
- બાલાસિનોર, ગોંડલ, ઢેંકનાલ, લીંબડી, ગ્વાલિયર જેવા રાજવી પરિવારોના વંશજો દ્રારા પ્રસ્તુત "કિચન ઓફ ધ કિંગ્સ'' ના સહયોગમાં શાહી પરિવારોની વાનગીઓનું પ્રદર્શન.
- એક વેલનેસ પેવેલીયન કે જે સેલિબ્રિટી શેફ ગૌતમ મેહર્ષિ દ્રારા તૈયાર કરવામાં આવેલ આધુનિક ભારતીય ભોજન પીરસશે, જે આયુર્વેદ દ્રારા નિર્ધારીત ત્રણ પ્રકારના શરીરના આધારે બનાવવામાં આવશે.
- એક આધ્યાત્મિક મંડપ કે જે ભારતમાંથી બે આદરણીય મંદિરોમાં BHOG તરીકે પુરીમાં આવેલ જગન્નાથ મંદિર અને વૃંદાવનમાં રાધા રમણ મંદિર દ્રારા ઓફર કરવામાં આવતા ભોજન પીરસશે. જેમાં રાસ લીલા અને કિર્તનયાઓના આત્માપુર્ણ જીવંત પ્રદર્શન સાથે હશે.
- લોન-Aમાં ત્રણ અલગ-અલગ થીમ સાથે ત્રણ પેવેલીયન હશે, જેમાં લગભગ 450 લોકો લંચ અને ડિનર માટે વ્યવસ્થા કરવામાં આવશે. (એક સમય દીઠ એક ભોજન). જેમાં સ્પીરીચીયલ પેવેલીયન ખાતે લંચની કિંમત રૂા.1600/- અને ડીનરની કિંમત રૂા.1900/- રહેશે. તા.10/03/2024ના રોજ ડીનરની કિંમત રૂા.2100/- ફુલોની હોળી સાથે રહેશે. વેલનેસ પેવેલીયન ખાતે લંચની કિંમત રૂા. 2100/- અને ડીનરની કિંમત રૂા.2700/- રહેશે. રોયલ પેવેલીયન ખાતે લંચની કિંમત રૂા.2400/- અને ડીનરની કિંમત રૂા.3000/- રહેશે.
- ફેસ્ટિવલ દરમ્યાન લકઝરી ફુડ કોર્ટ બનાવવામાં આવશે. જેમાં વિવિધ ખાધ્ય પદાર્થના સ્ટોલ્સ લગાવવામાં આવશે જેવા કે રેડીશનબ્લ્યુ, કોર્ટયાડ મેરિયોટ, આઈટીસી હોટલ, હોટલ ડબલ ટ્રી બાય હિલ્ટોન, તાજ સ્કાય લાઈન, ક્રાઉન પ્લાઝા હોટલ, લા-પીનોઝ પીઝા, મદ્રાસ કાફે અને જાનકી વલ્લભ પ્રસાદમ જેવી બ્રાન્ડના 18 (અઠાર) સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે.
- જ્યારે રીજીયોનલ ફુડ કોર્ટમાં 52 વિવિધ ખાદ્ય પદાર્થના સ્ટોલ્સ લગાવવામાં આવશે, જેવા કે રીયલ પેપરીકા, અમુલ આઈસ્ક્રીમ, અશોક ફરસાણ, ટી પોસ્ટ, અશરફીવાલા કુલ્ફી, જય ભવાની વડાપાઉ, અપર ક્રસ્ટ, ન્યુ ઓસ્વાલ આઈસ્ક્રીમ, શ્રીજી ડેરી, લિજ્જત ખમણ, જયહીદ સ્વિટસ, માસીની પાણીપુરી, મયુર ભજીયા, કભી-ભી, ગુજરાત નેશનલ ફાર્મીંગ સાયન્સ યુનિવર્સિટી-આણંદ, લક્ષ્મી ગાંઠીયા, શકિત સેન્ડવીચ, ક્વોલીટી ખારેક, ઈન્દુબેન ખાખરાવાલા જેવી બ્રાન્ડના સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
