BMW Accident Ahmedabad: અમદાવાદમાં ચિક્કાર દારૂ પીને યુવક બીએમડબલ્યુ લઇને નીકળ્યો, માણેકબાગ પાસે કાર અથડાતા પોલીસે ધરપકડ કરી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 27 Jul 2023 12:17 PM (IST)Updated: Thu, 27 Jul 2023 02:36 PM (IST)
ahmedabad-news-drunked-youth-bmw-caught-accident-police-arrested

BMW Accident Ahmedabad: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખ્યા હતા. આ અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, ઓવર સ્પીડ સહિતના ગુનામાં અનેક લોકો સામે કાર્યાવાહી કરવામાં આવી રહી હોવા છતાં કેટલાક માલેતુજારોના નબીરાઓને જાણેકે કોઇ ખૌફ ન હોય તેમ નશાની હાલતમાં પોતાની વૈભવી કાર લઇને મોડી રાત્રે અમદાવાદના રસ્તા પર નીકળ્યો હતો અને અલગ-અલગ જગ્યાએ અકસ્માત કર્યા હતા. માણેકબાગ પાસે કાર અથડાતા યુવક નશાની હાલતમાં બહાર નીકળ્યો હતો. જેનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતાર્યો હતો. પોલીસે આ કાર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, કમલેશ બિન્શ્નોઇ નામનો વ્યક્તિ મણિનગરનો રહેવાસી છે અને વસ્ત્રાપુરથી માણેકબાગ થઇને મણિનગર તરફ જઇ રહ્યો હતો. ચિક્કાર દારુ પીને યુવક પોતાની બીએમડબ્યુ કાર લઇને નીકળ્યો હતો. જે દરમિયાન રસ્તામાં અલગ અલગ સ્થળે તેની કાર અથડાઈ હતી. બાદમાં માણેકબાગ પાસે તેની કાર અથડાતા તે કારમાંથી બહાર આવ્યો હતો. જે સમયે નશાની હાલતમાં જોવા મળતા ત્યાં હાજર એક જાગૃત નાગરિકે વીડિયો ઉતારી લીધો હતો. બનાવની જાણ થતાં સેટેલાઇટ પોલીસ પહોંચી હતી અને યુવકની ધરપરકડ કરી હતી. માહિતી અનુસાર વસ્ત્રાપુર પોલીસે પણ આ યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

24 જુલાઈએ પણ એક કાર પલટવાની ઘટના બની હતી
નોંધનીય છેકે આ પહેલા 24 જુલાઈએ વલ્લભવાડી જવાહર ચોક મણીનગર પાસે એક ફોરવ્હીલ ફૂટપાથ પર ચડાવી દીધી હોવાની માહિતી પોલીસને મળી હતી. જે અનુસંધાને મણીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં કાર ચાલક પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. કારમાંથી બીયરની બોટલ મળી આવી હતી. તેમજ જવાહરચોક વલ્લભવાડી મંદીર પાછળ એક્સિસ બેન્ક પાસે કાર પલટી ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે કાર ચાલક અને અન્ય ત્રણ યુવક સહિત ચાર લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.