Ahmedabad News: ધંધુકા ખાતે બાઈક ઓવરટેક કરવા જેવી બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી. યુવાનની હત્યા બાદ સર્જાયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પગલે પોલીસ તંત્ર સક્રિય થયું છે. આ ચકચારી કેસની તલસ્પર્શી તપાસ માટે અમદાવાદ રેન્જ આઈજી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે હત્યા બાદ શહેરમાં થયેલી આગજની અને તોડફોડના મામલે 125 થી વધુ અજાણ્યા શખ્સોના ટોળા સામે અલગથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તપાસ માટે ઉચ્ચ સ્તરીય SITની રચના કરવામાં આવી
મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને અમદાવાદ રેન્જ આઈજીએ 4 સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી છે. DySP પ્રકાશ પ્રજાપતિ આ ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમમાં અન્ય સભ્યો તરીકે PI રઘુ કરમટીયા, PI કરણ વિહોલ અને PSI એસ.એચ. ઝાલાનો સમાવેશ થાય છે. આ SIT હત્યા પાછળના કારણો, પુરાવાઓનું એકત્રીકરણ અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે.
વ્યક્તિગત વિવાદ, સામાજિક કે કોમી કારણ નથી: એસ.પી.
અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ઓમ પ્રકાશ જાટે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, આ હત્યા પાછળ કોઈ સામાજિક કે કોમી એંગલ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, "બે વ્યક્તિઓ વચ્ચે બાઈક ઓવરટેક કરવાના મુદ્દે અંગત માથાકૂટ થઈ હતી, જે બાદમાં હિંસક બની હતી. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને પોલીસના નિયંત્રણ હેઠળ છે." પોલીસે સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અને શાંતિ જાળવવા નાગરિકોને અપીલ કરી છે.
125 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
હત્યાની ઘટનાના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડ અને આગજનીને પોલીસે ગંભીરતાથી લીધી છે. સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને 125 થી વધુ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
ભોગ બનનાર વેપારી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેમની દુકાન પાસે ટાયરો સળગાવવામાં આવ્યા હતા, જેમાં દુકાનમાં રાખેલા કરિયાણા માટેના 80,000 રૂપિયા રોકડા બળીને ખાખ થઈ ગયા છે. અન્ય એક ગેરેજ માલિક કાળુભાઈ ગઢિયાએ પણ આગજનીમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની પુષ્ટિ કરી છે.
ન્યાયની માંગ સાથે મૃતકના પરિવાર દ્વારા શાંતિની અપીલ
મૃતકના ભાઈ ગોવિંદભાઈએ આરોપીઓ સામે કડક સજાની માંગણી કરતા જણાવ્યું હતું કે, અમારા સમાજના યુવાનોને દર 2 થી 3 વર્ષે ટાર્ગેટ કરવામાં આવે છે. જોકે, આ કેસમાં પોલીસ તંત્ર દ્વારા પૂરતો સહયોગ મળી રહ્યો છે, તેથી અમે તમામ લોકોને શાંતિ જાળવવા વિનંતી કરીએ છીએ.
ઉલ્લેખનીય છેકે, ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ વકરતા સામા પક્ષે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું વધુ પડતું લોહી વહી જવાને કારણે કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
