Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જો કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે મોડી સાંજે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં આસો મહિનામાં અષાઢી માહોલ જામ્યો હતો.
ડીસામાં તોફાની પવન ફૂંકાતા મકાનના છાપરા ઉડ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડીસાના ધુણસોલ ગામે અચાનક સુસવાટા મારતો પવન ફૂંકાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક મકાનોના છાપરા ઉડ્યા હતા.
આ પણ વાંચો
વાપી-ડાંગમાં પણ મેઘાવી માહોલ
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી જ હતી. જેના પગલે આજે વાપી અને ડાંગ જિલ્લામાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. જ્યાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ડાંગ જિલ્લાના આહવા અને સાપુતારા પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતુ. ડાંગ ડિઝાસ્ટર કક્ષના આંકડા અનુસાર, આહવામાં 2 કલાકમાં 3 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
પોરબંદર-દ્વારકામાં રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી
પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને બરડા પંથકના બગવદર, ખાંભોદર, કુણવદર અને નટવરનગરમાં તોફાની પવન ફૂંકાવાથી રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. જ્યારે દ્વારકાના ભાણવડમાં પણ અચાનક તૂટી પડેલા વરસાદના કારણે રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી.
ખેલૈયાઓની ચિંતા વધારી
જણાવી દઈએ કે, નવરાત્રિ શરૂ થાય તે પહેલા જ વરસાદે વિરામ લેતા ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ ના હોવાથી ખેલૈયાઓ પણ મોડીરાત સુધી ગરબે ઘૂમી રહ્યા છે. એવામાં હવામાન વિભાગની આગાહીએ ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકોની ચિંતા વધારી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક એક સિસ્ટમ સક્રિય બની છે. જેના કારણે આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
જો આજની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના નમર્દા, તાપી,સુરત, ડાંગ, વલસાડ અને નવસારી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
