Supreme Court Election Commission SIR: ભારતીય ચૂંટણી પંચ દ્વારા બિહાર સહિતના રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવેલી 'SIR' પ્રક્રિયા અને પંચની કામગીરીને પડકારતી વિવિધ અરજીઓ પરની સુનાવણી સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે. કોર્ટે અરજદારોને ચૂંટણી પંચના સોગંદનામા સામે તેમના જવાબો દાખલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી દિવાળીની રજાઓ બાદ, અંદાજે 17 નવેમ્બર, 2026 ની આસપાસ હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે.
સોગંદનામું મોડું મળતાં માંગ્યો સમય
સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન, અરજદાર રાકેશ સિંહ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કોર્ટને અવગત કરાવ્યું હતું કે ચૂંટણી પંચનું સોગંદનામું સુનાવણીની આગલી રાત્રે જ પ્રાપ્ત થયું છે, જેના કારણે વિગતવાર જવાબ તૈયાર કરવા માટે પૂરતો સમય મળ્યો નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જ્યોયમાલ્યા બાગચી અને વી. મોહનાની બનેલી પીઠે અરજદારોને જવાબ રજૂ કરવા માટે 10 દિવસનો સમય ફાળવ્યો છે.
રાજ્યસભા સાંસદ ડોલા સેનની નવી અરજી અને નોટિસ
આજની સુનાવણી દરમિયાન, રાજ્યસભાના સાંસદ ડોલા સેન દ્વારા દાખલ કરવામાં આવેલી એક નવી અરજી પર પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચે બિહારમાં 'SIR' પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે વપરાતા 'ફોર્મ 6' માં મનસ્વી ફેરફારો કર્યા છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ અને સંબંધિત પક્ષોને નોટિસ જારી કરી છે.
ચૂંટણી પંચનો મજબૂત બચાવ અને વિવાદ
ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને પંચના નિર્ણયો સામે દાખલ થયેલી અરજીઓના જવાબમાં ૨૪૮ પાનાનું એક વિસ્તૃત સોગંદનામું દાખલ કર્યું છે. ડેપ્યુટી ઇલેક્શન કમિશનર ભાનુ પ્રકાશ યેતુરિ દ્વારા દાખલ આ સોગંદનામામાં 'SIR' પ્રક્રિયાને સંપૂર્ણપણે કાયદેસર ગણાવીને તેનો મજબૂત બચાવ કરવામાં આવ્યો છે. પંચે સ્પષ્ટતા કરી છે કે 'ફોર્મ 6' માં કોઈ ગેરરીતિ કે અયોગ્ય ફેરફાર કરવામાં આવ્યા નથી.
વિરોધ પક્ષોની મુખ્ય માંગણીઓ
આ વિવાદમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને INDI ગઠબંધનના નેતાઓ દ્વારા પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કાર્યશૈલી અને તેમના કથિત એકપક્ષીય નિર્ણયો પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વિરોધ પક્ષોનું આક્ષેપ છે કે સીઈસીએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો સર્વસંમતિથી લેવાને બદલે એકપક્ષીય રીતે લીધા છે, અને આ અનિયમિતતાઓને ટાંકીને વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવા માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓને ધ્યાનમાં રાખીને આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.
