યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત આવવા વ્યવસ્થા કરે, કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી માગ

આપણા સમુદાયના સભ્યો ગુજરાતમાં પાછા ફરવા માંગતા હોય તો ભારત અને ગુજરાતના અધિકારીઓએ સુરક્ષિત ગુજરાત આવવા તેમના માટે મફત વ્યવસ્થા કરવી જોઈએ તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 01 Mar 2026 06:31 PM (IST)Updated: Sun, 01 Mar 2026 06:31 PM (IST)
ahmedabad-news-congress-mp-shaktisinh-gohil-demands-aid-for-gujaratis-stuck-in-iran-israel-conflict

Ahmedabad News: ઇરાન વિરુદ્ધ ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે ઉભી થયેલી તંગદીલીભરી પરિસ્થિતિમાં અનેક ગુજરાતીઓ ફસાયા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ફસાયેલા ગુજરાતીઓને સરકાર દ્વારા મદદ પહોંચાડવામાં આવે તથા સુરક્ષિત પરત આવા વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છેકે, ઈરાન વિરુદ્ધ ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે અનેક ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઈરાન અને ઈઝરાયલ ઉપરાંત અબુધાબી, દુબઈ, બહેરીન, કતાર અને અન્ય ગલ્ફ દેશોમાં ડ્રોન હુમલાઓ, મિસાઈલ અને હવાઈ હુમલાના સતત અહેવાલો મળ્યા કરે છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતી સમુદાયના સભ્યો રહે છે.

ભારત સરકાર અને રાજ્ય સરકારે તેમની સલામતી, સુરક્ષા અને તેમના વ્યવસાયો અને કાર્યસ્થળોના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ જો આપણા સમુદાયના સભ્યો ગુજરાતમાં પાછા ફરવા માંગતા હોય તો ભારત અને ગુજરાતના અધિકારીઓએ સુરક્ષિત ગુજરાત આવવા તેમના માટે મફત વ્યવસ્થા કરવી જોઈએ તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

અમેરિકા અને અન્ય દેશોમાં જઈ રહેલા ગુજરાતીઓની ફ્લાઈટ દુબઈ, કુવૈત કે અબુધાબીમાં રોકાય તો તેઓ ત્યાં જ ફસાઈ ગયા છે. ગુજરાતના નડિયાદના પ્રિતેશભાઈ પટેલ તથા હીનાબેન પટેલના પરિવારે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે પ્રિતેશભાઈ અને હીનાબેન અમેરીકા જતા હતા, પરંતુ કુવૈત ખાતે ફસાયા છે. ઉમરા કરવા ગયેલ અનેક ગુજરાતી યાત્રિકો સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ફસાયા હોવાની માહિતી મળી છે.

આ યાત્રિકોનો મુશ્કેલી વર્ણવતો વિડીયો પણ મળેલ છે. ગુજરાતી પરિવારોને ગુજરાત લાવવા સરકાર તુરંત વ્યવસ્થા કરે તે માટે શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રીને તથા વિદેશ મંત્રીને ઈમેઈલ કર્યો છે. જ્યાં સુધી પરત ના લાવી શકાય ત્યાં સુધી મોટાભાગના દેશોએ જે રીતે પોતાના નાગરિકોને માટે હોટલ અને ભોજનની વ્યવસ્થા કરી છે તે રીતે આપણી એમ્બેસીઓ પણ તુરંત વ્યવસ્થા કરે તેવી માંગણી કરી છે.

દરિયાકાંઠાનું રાજ્ય હોવાને કારણે ગુજરાતનો ગલ્ફ દેશો સાથે સદીઓ જૂનો વ્યાપાર અને વેપાર સંબંધ છે. કચ્છ, સલાયા, પોરબંદર અને જામનગરથી હજારો નાના જહાજો દરરોજ ગુજરાત અને ગલ્ફ દેશો વચ્ચે ફેરી કરે છે અથવા માલ અને ચીજવસ્તુઓનું પરિવહન કરે છે. ભારત અને ગુજરાત સરકારે ખાતરી કરવી જોઈએ કે ચાલુ યુદ્ધને કારણે તેમના વેપાર અને વ્યવસાયો અવરોધાય નહીં અને તેમને જરૂરી સહાય પૂરી પાડવી જોઈએ તેવી માંગણી કરી છે.