અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં 'મિની બાંગ્લાદેશ'નું સામ્રાજ્ય ઉભુ કરનાર કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. જે બાદ આજે લલ્લા બિહારીને કોર્ટમાં હાજર કરતાં તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર ગુજરાતમાંથી ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને વીણી-વીણીને રવાના કરવાની ક્વાયત ચાલી રહી છે. જે અંતર્ગત થોડા દિવસ પહેલા જ અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનની અલગ-અલગ ટીમોએ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર રીતે ઉભા થયેલા મિની બાંગ્લાદેશ પર મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરીને કાચા-પાકા હજારો મકાનો પર બુલડોઝર ફેરવીને 1 લાખ ચો.મી જગ્યા સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી.
જો કે ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર વસાહત ઉભી કરીને ઘૂસણખોરી કરેલા બાંગ્લાદેશીઓને મકાન ભાડે આપવા ઉપરાંત તેમના બોગસ દસ્તાવેજો બનાવવા સહિતના ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલો લલ્લા બિહારી ડિમોલિશન ડ્રાઈવ શરૂ થઈ ત્યારથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લલ્લા બિહારીને રાજસ્થાનના બાંસવાડા નજીકના મોટી ઝેર ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો. જે બાદ તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમે લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે કોર્ટ દ્વારા લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ તો લલ્લા બિહારીનો ફોન કબજે લઈને તપાસ અર્થે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે આગળ જતાં તપાસમાં ઈન્કમટેક્સ, ED અને NIA સહિતની એજન્સીઓ પણ જોડાઈ શકે છે.
અગાઉ પોલીસ દ્વારા લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહંમદની ધરપકડ કરવામાં આવી હતી. જેના ઈન્ટ્રોગેશનમાં પોલીસને જાણવા મળ્યું કે, લલ્લા બિહારીના 5 ઘર છે, જેમાં તે ચાર પત્નીઓ સાથે રહેતો હતો. લલ્લા બિહારીના દાણીલીમડા સ્થિત નૂર અહમદી સોસાયટીમાં આવેલા એક ઘરમાંથી પૈસા ગણવાનું મશીન અને ભાડાની રશીદોના સેંકડો બંડલો મળી આવ્યા છે. આ સિવાય અન્ય ઘરોમાંથી બેંક ખાતાની વિગતો અને મોટી સંખ્યામાં બિલ બુકો પણ કબજે કરવામાં આવી છે.
