Ahmedabad: રાણીપમાં સૌ પ્રથમ સરકારી બૉક્સ ક્રિકેટ બનશે, રૂ. 2.81 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કૉમ્પલેક્સ તૈયાર થશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 06 Dec 2023 09:44 PM (IST)Updated: Wed, 06 Dec 2023 09:48 PM (IST)
ahmedabad-news-box-cricket-and-sports-complex-build-in-ranip
HIGHLIGHTS
  • શહેરીજનો નજીવા દરે ક્રિકેટની મજા માણી શકશે
  • આગામી દોઢ-બે વર્ષમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનીને તૈયાર થશે
  • સ્પોર્ટ્સ કોમ્પલેક્સના નિર્માણ માટે યમુનેશ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ અપાયો

Ahmedabad: વધતા જતાં શહેરી કરણના કારણે તેમજ દિવસ દરમિયાનની વ્યસ્તતા તેમજ મેદાનની સુવિધાના અભાવે શહેરીજનો ક્રિકેટ રમી શકતાં નથી. જેના પગલે છેલ્લા કેટલાક સમયથી બોક્સ ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ શહેરમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે કમર કસવામાં આવી રહી છે. જેના માટે શહેરના રાણીપ વિસ્તારમાં બોક્સ ક્રિકેટની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.

હકીકતમાં રાણીપમાં ઈનડોર અને આઉટડોર બન્ને રમતો માટે એક રૂ. 2.81 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કૉમ્પલેક્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બોક્સ ક્રિકેટ ઉપરાંત વૉલિબૉલ, બેડમિન્ટન, કેરમ, ચેસ અને યોગ મેડિટેશન સેન્ટરની સુવિધા પણ સામેલ હશે.

બૉક્સ ક્રિકેટની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે રાણીપ વિસ્તારમાં સોમેશ્વર ટેનામેન્ટ નજીક 3451 વર્ગ મીટરની જમીનમાં સ્પોર્ટ્સ કૉમ્પલેક્સનું નિર્માણ કરવામાં આશે. જેમાં 745 ચોરમ મીટરની જગ્યા બોક્સ ક્રિકેટ માટે ફાળવવામાં આવશે. જ્યારે 393 ચોરસ મીટર જમીનમાં બેડમિન્ટન કોર્ટ હશે. જ્યારે 731 ચોરસ મીટર જમીન પર ઈન્ડોર ગેમ્સ માટેની બિલ્ડિંગ બનાવવામાં આવશે. જેમાં ચેસ, કેરમ, યોગ મેડિટેશન સેન્ટર, લૉકર રૂમ અને પાર્કિંગ સહિતની સુવિધા મળશે.

આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સના નિર્માણ માટે યમુનેશ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ આગામી દોઢથી બે વર્ષમાં સાકાર થવાની શક્યતા છે. એક વખત આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તૈયાર થઈ જશે, ત્યાર બાદ રાણીપ ઉપરાંત નવા વાડજ, નિર્ણયનગર, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને અખબારનગરના નાગરિકોને તેનો લાભ મળશે.

જણાવી દઈએ કે, અત્યારે અમદાવાદના એસજી હાઈવે અને એસપી રિંગરોડની આસપાસ ખુલ્લા પ્લોટમાં બોક્સ ક્રિકેટ બનાવવામાં આવ્યા છે. જેમાં કલાક દીઠ 1500 થી 3000 રૂપિયા સુધીના વસૂલવામાં આવે છે. જેની સામે આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં શહેરીજનો નજીવાદરે બોક્સ ક્રિકેટની મજા માણી શકશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.