Ahmedabad: ગત જુલાઈ મહિનાના અંતમાં અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલ બોપલ અને શેલા સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જતાં રહીશોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.
ખુદ મુખ્યમંત્રીએ વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એવામાં હવે AMC દ્વારા આ વિસ્તારમાં જળભરાવની સમસ્યા ટાળવા માટે રૂ. 18.95 કરોડના ખર્ચે રત્ના તળાવ નજીક વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવા આવશે.
આજથી ત્રણેક મહિના પહેલા અમદાવાદમાં સતત 3 દિવસ પડેલા ભારે વરસાદના કારણે શહેરના બોપલ, શેલા અને ઘુમા સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. ગટરના ડ્રેનેજની અપુરતી કામગીરીના કારણે પાણીનો યોગ્ય નિકાલ ના થતાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આથી આવતા વર્ષે ચોમાસા દરમિયાન આવી સ્થિતિ પુનઃ ના સર્જાય તે માટે તંત્ર દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જે અંતર્ગત બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદના પાણીના યોગ્ય નિકાલ માટે રત્ના તળાવ નજીકના પ્લોટમાં ઘુમા સ્ટ્રીમ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવાનું ડેન્ટર બહાર પાડવામાં આવ્યા બાદ હવે રૂ. 18.95 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની દરખાસ્ત તૈયાર કરાઈ છે, જેને વોટર સપ્લાય કમિટીની મંજૂરી માટે મોકલવામાં આવી છે.
આ ઉપરાંત બોડકદેવ વોર્ડમાં જ એસ.જી હાઈવેથી એસ.પી રિંગ રોડ સુધીના વિસ્તારમાં આવેલી ગટર લાઈન અને સ્ટ્રીમ વોટર લાઈનને રૂ. 78.85 લાખના ખર્ચે અપગ્રેડ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. તેમજ પકવાન જંક્શનથી માનસી જંક્શન તરફની ડ્રેનેજ લાઈનના જર્જરિત ભાગોનું પણ રૂ. 16.22 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરવામાં આવશે.
