VIDEO: અમદાવાદના મેમ્કો બ્રિજ પર પતંગની ધારદાર દોરી ફસાઈ જતાં બાઈક ચાલક યુવકનું ગળું કપાયું, તબીબોએ 20 ટાંકા લઈ જીવ બચાવ્યો

યુવકને દોરી વાગી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા પોલીસ કર્મચારીએ એમ્બ્યુલન્સ આવવાની રાહ જોયા વિના લોહીલુહાણ યુવકને પોતાના બાઈક પાછળ બેસાડીને હોસ્પિટલ પહોંચાડ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Dec 2025 08:59 PM (IST)Updated: Wed, 24 Dec 2025 08:59 PM (IST)
ahmedabad-news-bike-rider-injured-due-to-kite-thread-police-man-save-him
HIGHLIGHTS
  • દોરી વાગતા જ યુવકને ગળાના ભાગેથી લોહીના ફુવારા ઉડવા લાગ્યા
  • દેવદૂત બનેલા પોલીસ કર્મચારીના કારણે યુવકનો જીવ બચ્યો, હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું

Ahmedabad: ઉત્તરાયણના પર્વને હજુ વીસેક દિવસ જેટલો સમય છે, ત્યારે કાતિલ માંજાના કારણે અકસ્માતના બનાવો સામે આવવા લાગ્યા છે. એવામાં અમદાવાદ શહેરના મેમ્કો વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા યુવકનું ગળું પણ પતંગની ધારદાર દોરીથી કપાઈ ગયું હતુ. જો કે આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલ પોલીસ કર્મચારી યુવક માટે દેવદૂત બન્યો હતો.

આ પોલીસ કર્મચારીએ એમ્બ્યુલન્સની રાહ જોયા વિના ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જ પોતાના બાઈક પર બેસાડીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વીડિયો શેર કરીને પોલીસ કર્મચારીની પ્રસંશા કરી છે.

હકીકતમાં આજથી બે દિવસ પહેલા એક યુવક બાઈક લઈને મેમકો બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગની ધારદાર દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે યુવકને ગળાના ભાગેથી લોહીના ફૂવારા ઉડવા લાગ્યા હતા. આ ઘટનાના પગલે રાહદારીઓ ભેગા થઈ ગયા હતા.

આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા પોલીસ કર્મચારીની નજર પણ આ ઘાયલ યુવક પર પડી હતી. આથી તેણે એમ્બ્યુલન્સની રાહ જોયા વિના તાત્કાલિક યુવકને પોતાના બાઈક પાછળ બેસાડીને નજીકની આનંદ સર્જિકલ હોસ્પિટલ લઈ ગયો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ કર્મચારી ટ્રાફિકની વચ્ચેથી પોતાનું બાઈક લઈને સડસડાટ નીકળી રહ્યો છે, જ્યારે તેની પાછળ ઈજાગ્રસ્ત યુવક રૂમાલ વડે પોતાનું ગળું પકડીને બેસેલો છે. સમયસર સારવાર મળવાના કારણે યુવકનો જીવ બચી ગયો હતો.

તબીબોએ જણાવ્યું કે, યુવકને ગળાના ભાગે 20 ટાંકા લેવામાં આવ્યા છે. જો સારવારમાં સહેજ પણ વિલંબ થયો હોત, તો વધુ પડતું લોહી વહી જતાં યુવકની હાલત ગંભીર થઈ હોત.