અમદાવાદમાં ભદ્ર બજારમાં મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી,  કુલ 63 વસ્તુઓ જપ્ત કરાઈ

6 ઇન્સ્પેક્ટર - સબ ઇન્સ્પેક્ટર, 4 દબાણ ગાડી અને 25 મજૂરો સાથે ભદ્રના રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ અને વેન્ડિંગ ના થાય તે શું સુનિશ્ચિત કરવા ખાસ આયોજન કરાયું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 01 Nov 2026 06:41 PM (IST)Updated: Sun, 01 Nov 2026 07:47 PM (IST)
ahmedabad-news-amc-removes-encroachments-at-crowded-bhadra-market

Ahmedabad News: દિવાળીના તહેવાર નિમિત્તે ભદ્ર બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં આવતા નાગરિકો અને ખરીદદારોને અવરજવરમાં સરળતા રહે તેમજ ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા વિશેષ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ભદ્ર વિસ્તારના કેરેજ વે (રસ્તાના વાહનવ્યવહાર માટેના માર્ગ) પર કોઈપણ પ્રકારનું વેન્ડિંગ કે દબાણ ન થાય અને જાહેર માર્ગો અવરોધમુક્ત રહે તે સુનિશ્ચિત કરવા માટે તારીખ 1 નવેમ્બર, 2026, રવિવારના રોજ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કામગીરી માટે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 6 ઇન્સ્પેક્ટર અને સબ-ઇન્સ્પેક્ટર, 4 દબાણ ગાડીઓ તેમજ 25 મજૂરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી. ભદ્ર બજારમાં ખરીદી માટે આવતા નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ રસ્તા પર વાહનવ્યવહાર અને રાહદારીઓની અવરજવર સુચારુ રીતે જળવાઈ રહે તે માટે સમગ્ર વિસ્તારમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થાય અને કેરેજ વે પર કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે સ્થાનિક પોલીસની મદદ પણ મેળવવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસના સહયોગથી રસ્તા પરના દબાણો દૂર કરવાની તેમજ જાહેર માર્ગો ખુલ્લા રાખવાની કામગીરી કરવામાં આવી હતી.

આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બેગ-ટ્રોલી નંગ-24, છત્રી નંગ-4, છત્રીના સ્ટેન્ડ નંગ-20, કાપડની ડમી નંગ-5, પ્લાસ્ટિકનો ખાલી થેલો નંગ-1, લેન્ગીશ પોટલું નંગ-1, તોરણની થેલી નંગ-1, નાની ખાટલી નંગ-2, ધોડી નંગ-1, ખાટલો નંગ-2, લોખંડનો સળિયો નંગ-2 તેમજ પ્લાસ્ટિકની ખુરશી નંગ-1 સહિત કુલ 63થી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે..

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવારો દરમિયાન ભદ્ર બજાર સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં નાગરિકોની સુવિધા, સલામતી અને સુચારુ અવરજવર જળવાઈ રહે તે માટે દબાણ નિયંત્રણની કામગીરી સતત કરવામાં આવી રહી છે.

તહેવારો અને ગરાગીના મુખ્ય સમયે જ રોડ પરથી પાથરણા હટાવવાની કામગીરી શરૂ કરાતાં લોકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત ધંધો-રોજગાર ચલાવતા પાથરણાવાળાઓ હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા હતા અને અત્યારે આ કાર્યવાહી ન કરવા માટે વિનંતી કરી હતી. રોડ પરથી પાથરણા હટાવવાની અને તહેવારોના સમયે નાના વેપારીઓ સામે હાથ ધરાયેલી આ કામગીરી સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે.