અમદાવાદના ભદ્રમાં ફેરિયા અને પાથરણાવાળાઓથી ધમધમ્યું, કોઇ ગોઠવણ ન હોવાથી ફેરિયા ગમે ત્યાં બેસી ગયા

આ ચકાસણી થાય તે પહેલાં જ ફેરિયાઓએ ધંધો શરૂ કરી દેતા, ગેરકાયદેસર રીતે બેસતા ફેરિયાઓ પર કાર્યવાહીની સૂચના છતાં કોર્પોરેશને કોઈ ધ્યાન આપ્યું નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 15 Mar 2026 06:01 PM (IST)Updated: Sun, 15 Mar 2026 06:01 PM (IST)
ahmedabad-news-hawkers-return-to-bhadra-fort-area-traffic-concerns-rise

Ahmedabad News: ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસર ફરીથી ફેરિયાઓ અને પાથરણાંવાળાથી ધમધમતું થયું છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાયદેસરના ફેરિયાઓના વેરિફિકેશન અને વ્યવસ્થિત ગોઠવણ માટે નિર્ધારિત પ્રક્રિયા હાથ ધરવામાં નિષ્ફળ રહેતા, ફેરિયાઓ ગમે તેમ બેસી ગયા છે. આ સ્થિતિને કારણે ભદ્રકાળી મંદિરના દર્શનાર્થીઓ અને હેરિટેજ વિસ્તારના નાગરિકોને ભવિષ્યમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઇ શકે છે.

હાઇકોર્ટે ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને 21 માર્ચ સુધીમાં વેરિફિકેશન અને સર્ટિફિકેટ તપાસ કરીને નીતિ નિયમ મુજબ બેસવા દેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, AMCના એસ્ટેટ વિભાગ દ્વારા આ અંગે કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. પરિણામે, 14 માર્ચ, શનિવારથી જ ફેરિયાઓએ સ્વયંભૂ રીતે ભદ્ર પરિસરમાં પોતપોતાની જગ્યાઓ જમાવીને ધંધો શરૂ કરી દીધો છે.

હાઇકોર્ટના નિર્દેશ મુજબ, ત્રણ અધિકારી અને એક સિનિયર પોલીસ અધિકારી દ્વારા ફેરિયાઓના સર્ટિફિકેટની ચકાસણી કરીને તેમને બેસવા દેવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી. જોકે, આ ચકાસણી થાય તે પહેલાં જ ફેરિયાઓએ ધંધો શરૂ કરી દેતા, ગેરકાયદેસર રીતે બેસતા ફેરિયાઓ પર કાર્યવાહીની સૂચના છતાં કોર્પોરેશને કોઈ ધ્યાન આપ્યું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ અને પોલીસે પણ આ બાબતે કોઈપણ પ્રકારે નિયમ મુજબ તપાસ કરી નથી.