Ahmedabad News: ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં નિકોલ–નરોડા રોડ પર સેલ્બી હોસ્પિટલ સામે આવેલ આર્શિવાદ એવેન્યુ કોમર્શિયલ તથા રહેણાંક કોમ્પલેક્ષમાં પાર્કિંગ વ્યવસ્થાને લઈને સર્જાયેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કુલ 19 કોમર્શિયલ દુકાનોના દુકાનદારો દ્વારા ગ્રાહકોના વાહનો રોડ પર પાર્ક કરાવવામાં આવતા હતા, જ્યારે બિલ્ડિંગમાં ઉપલબ્ધ બેઝમેન્ટ પાર્કિંગનો ઉપયોગ ન કરાવાતા નિકોલ–નરોડા રોડ પર સતત ટ્રાફિક અવરોધ સર્જાતો હતો.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે બેઝમેન્ટ પાર્કિંગમાં જવાના રસ્તા પર ગેટ લગાવી લોક મારવામાં આવ્યો હતો તેમજ તે જ પ્રવેશ માર્ગ પર લારીઓ અને ખાણી-પીણીના સ્ટોલ ઉભા રાખી દબાણ કરવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMCની એસ્ટેટ અને સંબંધિત ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને બેઝમેન્ટમાં જવાના રસ્તા પર મૂકાયેલી તમામ લારીઓ અને ખાણી-પીણીના સ્ટોલ હટાવવામાં આવ્યા હતા.

સાથે સાથે ગેટ પર મારેલ લોક તોડી બેઝમેન્ટ પાર્કિંગનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી તમામ દુકાનદારોને પોતાના વાહનો તેમજ ખરીદી માટે આવતા ગ્રાહકોના વાહનોને અનિવાર્ય રીતે બેઝમેન્ટ પાર્કિંગમાં જ પાર્ક કરાવવા અંગે નોટિસ આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ/નગર વિકાસ ખાતા દ્વારા 29 ડિસેમ્બર 2025ના રોજ શહેરના વિવિધ ઝોનમાં હાથ ધરાયેલી દબાણ હટાવવાની કામગીરી અંતર્ગત વિવિધ ઝોનનાં વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 93 દબાણકારક લારીઓ/ઠેલાં હટાવવામાં આવ્યા, દૂર કરાયેલ શેડની સંખ્યા 22 હતી અને સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹1,18,600નો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું ટેબલમાં સ્પષ્ટ રીતે નોંધાયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં જ્યાં પણ બેઝમેન્ટ પાર્કિંગ ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ ન કરીને રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરાવવામાં આવશે અથવા દબાણ ઉભું કરવામાં આવશે, ત્યાં આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી જાહેર માર્ગો ખુલ્લા રહે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બની રહે.
