બિલ્ડિંગ કે કોમ્પલેક્સની બહાર વાહન પાર્ક કરતા પહેલા થઇ જજો સાવધાન, અમદાવાદમાં મનપા દ્વારા વાહન લોક કરાશે

શહેરના મુખ્ય માર્ગો પર વાહનોના અનિયમિત પાર્કિંગને કારણે ટ્રાફિક જામ એ રોજિંદી સમસ્યા બની ગઈ છે, જેનાથી નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 21 Dec 2025 11:52 AM (IST)Updated: Sun 21 Dec 2025 11:52 AM (IST)
ahmedabad-municipal-corporation-to-lock-vehicles-parked-outside-buildings-659298

Ahmedabad News: જો તમે અમદાવાદ શહેરમાં રહો છો અને તમારી બિલ્ડિંગ કે કોમ્પલેક્સની બહાર તમારું વાહન પાર્ક કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા અને અવ્યવસ્થિત પાર્કિંગને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશને હવે લાલ આંખ કરી છે. શહેરમાં કોઈપણ મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો કે રહેણાંક વિસ્તારોની બહાર મુખ્ય માર્ગો પર વાહન પાર્ક કરી શકાશે નહીં. આ નિયમનો ભંગ કરનાર બિલ્ડિંગોને સીલ કરવા સુધીની આકરા પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, અને આ કાર્યવાહીનો અમલ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યો છે.

અનિયમિત પાર્કિંગને કારણે ટ્રાફિક જામ એ રોજિંદી સમસ્યા બની

શહેરના મુખ્ય માર્ગો પર વાહનોના અનિયમિત પાર્કિંગને કારણે ટ્રાફિક જામ એ રોજિંદી સમસ્યા બની ગઈ છે, જેનાથી નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગંભીર સ્થિતિને નિયંત્રિત કરવા અને ટ્રાફિકનું સરળ સંચાલન સુનિશ્ચિત કરવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કડક સૂચનાઓ જારી કરી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર માર્ગો અને ફૂટપાથ પર થતા અવરોધોને દૂર કરી નાગરિકોની અવરજવરમાં સુગમતા લાવવાનો છે.

રોડ પર પાર્કિંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવી પડશે

નવા નિયમો અનુસાર, મોટા કોમ્પ્લેક્સ અને બિલ્ડિંગોના સંચાલકોએ પોતાની મિલકતની બહાર રોડ પર પાર્કિંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવી પડશે. આ માટે તેઓએ સિક્યુરિટી ગાર્ડ અથવા પાર્કિંગ વ્યવસ્થાપક નિયુક્ત કરવા પડશે, જે વાહનોને બિલ્ડિંગની અંદર પાર્ક કરાવવામાં મદદ કરશે. જરૂર પડ્યે, વેલે પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવી પડશે. જો કોઈ કોમ્પ્લેક્સ કે બિલ્ડિંગ સામે રોડ પર પાર્કિંગ જોવા મળશે, તો મ્યુનિસિપલ કોર્પોરેશન તેના સંચાલક સામે સીલ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરશે.

સંબંધિત વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાશે

પાર્કિંગ ઉપરાંત, બિલ્ડિંગોની ફ્રન્ટ માર્જિનની જગ્યામાં કે જાહેર રસ્તાઓ, ફૂટપાથ પર કોઈપણ પ્રકારનો માલ-સામાન રાખીને દબાણ કરવાનું પણ ચલાવી લેવામાં આવશે નહીં. ઘણીવાર દુકાનદારો પોતાની દુકાન સામેની જગ્યા નાના ખાણીપીણીના સ્ટોલ માટે ભાડે આપી દેતા હોય છે. આવા તમામ ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક ધોરણે દૂર કરીને પાલિકા દ્વારા જપ્ત કરી લેવામાં આવશે અને સંબંધિત વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાશે.

કોર્પોરેશને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તમામ વાણિજ્ય અને રહેણાંક બિલ્ડિંગોમાં પાર્કિંગ માટે નિર્ધારિત જગ્યાનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. ઘણી જગ્યાએ પાર્કિંગ પ્લોટ કે પ્રિમાઈસીસની અંદર ઓટલા, લેન્ડસ્કેપિંગ કે અન્ય અવરોધો ઊભા કરીને વાહનોના પાર્કિંગની જગ્યા રોકી દેવામાં આવી છે. નાગરિકોએ આવા તમામ અવરોધોને સ્વયં દૂર કરીને પાર્કિંગની જગ્યાને વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવાની રહેશે. જો આમ કરવામાં નહીં આવે, તો એસ્ટેટ વિભાગની ટીમ દબાણ હટાવવાની કાર્યવાહી કરશે અને જરૂરી દંડ પણ વસૂલશે.

બિલ્ડિંગ માલિકોને રસ્તા પર પાર્કિંગ ન કરવા સૂચના અપાઇ

આ સાથે બિલ્ડિંગ માલિકો અને સંચાલકોને તેમના મહેમાનોના વાહનો બિલ્ડિંગની અંદર ઉપલબ્ધ પાર્કિંગ જગ્યામાં જ પાર્ક કરાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જાહેર રસ્તા પર પાર્કિંગ ન થવા દેવાની જવાબદારી સંબંધિત સંચાલકોની રહેશે. આ દિશામાં શહેરના સાત ઝોનમાં કુલ 76 રસ્તાઓ પર વેલેટ પાર્કિંગ અને રોડ પર પાર્કિંગ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમભંગ બદલ કુલ 305 નોટિસો જારી કરવામાં આવી હતી.

આ કાર્યવાહીથી શહેરના અનેક મુખ્ય માર્ગો ખુલ્લા બન્યા છે અને ટ્રાફિક પ્રવાહ વધુ સુચારુ થયો છે.આગામી દિવસોમાં પણ બિનપરવાનગીના બાંધકામો, ટી.પી. રોડ અને ફૂટપાથ પરના દબાણો, પાર્કિંગની જગ્યામાં થયેલા દબાણો તેમજ ગેરકાયદેસર પાર્કિંગ અને અનધિકૃત જાહેરાતો દૂર કરવાની કાર્યવાહી સઘન રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ રહેશે.

અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક ગીચતા અને નાગરિકોની દૈનિક અવરજવરમાં સર્જાતી અડચણોને દૂર કરવા રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલિત રીતે વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.આ અભ્યાસના આધારે શહેરના મહત્વના ચાર રસ્તાઓનું પુનઃડિઝાઇન, ટ્રાફિકના સરળ અને સુરક્ષિત પ્રવાહ માટે જરૂરી સુધારાત્મક પગલાં તેમજ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલિત કામગીરી અમલમાં મૂકવામાં આવી છે. જાહેર રસ્તાઓ પર અવરોધરૂપ બને તેવી પરિસ્થિતિઓ દૂર કરીને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.

રસ્તા, સર્વિસ રોડ અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરાયા

આ કામગીરી અંતર્ગત જાહેર રસ્તા, સર્વિસ રોડ અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શોપિંગ સેન્ટર, મોલ, હોસ્પિટલ તથા અન્ય જાહેર સ્થળોની આસપાસ ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરી સંબંધિત બિલ્ડિંગ માલિકો અને સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. GDCR મુજબ ફરજિયાત પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, “નો પાર્કિંગ ઝોન”માં નિયમભંગ સામે કાર્યવાહી કરવી તેમજ માર્ગો પર સ્પીડ બ્રેકર ધોરણ મુજબ બનાવવાની સૂચનાઓનું પાલન કરાવવામાં આવ્યું હતું. આ તમામ કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી હતી અને જાહેર રસ્તાઓ પરથી રખડતા પશુઓ દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

આ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ સાથે સંયુક્ત ડ્રાઈવ યોજાઈ

ટ્રાફિક ગીચતા ઘટાડવાના આ અભિયાનમાં AMCના વિવિધ ઝોન જેમ કે ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસ સાથે સંયુક્ત ડ્રાઈવ યોજાઈ હતી. 18 ડિસેમ્બરે સ્વામિનારાયણ પાર્ક રોડ (શેલ્બી ચાર રસ્તાથી નરોડા GEB સુધી), નિકોલ મોર્ડન રોડ, ખારીકટ કેનાલ રોડ, વસ્ત્રાલ મેટ્રો રૂટ, ડમરૂ સર્કલથી કારગીલ રોડ, જજીસ બંગલો રોડ, માલાબાર રોડ, કેશવબાગ રોડ, ગોલ્ડન ટ્રાઈએન્ગલથી સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડનથી અંડરપાસ અને રેલ્વે લાઈન સુધી, ગોલ્ડન ટ્રાઈએન્ગલથી સરદાર પટેલ સ્ટેચ્યુ થઈ નારણપુરા, અંકુર અને શાસ્ત્રીનગર ચાર રસ્તા તેમજ ઇસ્કોનથી પી સર્કલ સુધીના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહીના પરિણામે 18 ડિસેમ્બરે શહેરના જાહેર માર્ગો પરથી કુલ 47 લોખંડના કાઉન્ટર તેમજ છતવાળી અને બંધ કવરવાળી લારીઓ દૂર કરી જપ્ત કરવામાં આવી હતી. સાથે જ 163 ગેરકાયદેસર જાહેરાતના હોર્ડિંગ્સ, બોર્ડ અને બેનર્સ, 113 વાંસ/વળી/તાડપત્રી અને 418 જેટલો અન્ય પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત જાહેર રસ્તાની બાજુમાં બનાવાયેલા 21 કાચા શેડ ખુલ્લા કરી દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ટ્રાફિકમાં અડચણરૂપ બનેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ રૂ. 43,700/- દંડની વસુલાત કરવામાં આવી હતી.

19 ડિસેમ્બરે આ વિસ્તારોમાં અડચણરૂપ વાહનો સામે કાર્યવાહી

તે જ રીતે 19 ડિસેમ્બરે ખોડીયાર નગરથી પીપળજ રૂટ, મીઠાખળી છ રસ્તાથી લો ગાર્ડન, રન્ના પાકડ રોડ, શારદાનગર રોડ, ડમરૂ સર્કલથી કારગીલ રોડ, માનસી ક્રોસ રોડ (પકવાનથી જજીઝ બંગલો રોડ), સોનીની ચાલીથી ઓઢવ BRTS રોડ, મનમોહન ક્રોસ રોડ, નિકોલ, જમાલપુર ફૂલ બજાર, જમાલપુર શાક માર્કેટ, ગીતા મંદિર બસ સ્ટેશન, કાલપુર શાક તથા ફ્રુટ માર્કેટ, કાલપુર, ભદ્ર પરિસર, ગાભા બજાર, નમસ્તે સર્કલ, ઇસ્કોનથી ઉજાલા સર્કલ તેમજ પી સર્કલથી પ્રહલાદનગર–કેન્યગુ ક્રોસ રોડ સુધીના વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. 1

9 ડિસેમ્બરની કાર્યવાહી દરમિયાન લોખંડના કાઉન્ટર/છતવાળી/બંધ કવરવાળી લારીઓ 116, જાહેરાતના હોર્ડિંગ્સ–બોર્ડ–બેનર્સ 228, વાંસ/વળી/તાડપત્રી 159 તથા અન્ય પરચુરણ માલ સામાન 895 મળી કુલ 1,398 જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે જ જાહેર રસ્તાની બાજુમાં બનાવાયેલા 34 કાચા શેડ ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જાહેર રસ્તા અને ફૂટપાથ પર ટ્રાફિકમાં અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનો, દબાણો તથા બિનઅધિકૃત જાહેરાતો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રૂ. 1,20,000/- દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ઝોનવાઈઝ કામગીરીમાં કુલ 148 સ્થળોએ કાર્યવાહી, 140 વાહનો સામે પગલાં અને 1,147 જેટલો વિવિધ પ્રકારનો માલસામાન જપ્ત થયો હતો. આ સમગ્ર અભિયાન દરમિયાન શહેરભરમાંથી કુલ રૂ. 2,35,600/- દંડની વસુલાત નોંધાઈ હતી.