Ahmedabad Rath Yatra: દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાંથી નીકળતી પરંપરાગત જગન્નાથની રથયાત્રામાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે મનપા તંત્ર દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત રથયાત્રાના રૂટ ઉપર આવેલા મકાન કે તેના જર્જરિત ભાગને તોડવાની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ તરફથી રથયાત્રાના રૂટ ઉપર કાલુપુર વિસ્તારમાં આવેલી મોતી બેકરી પાસેના બે જર્જરિત મકાનના ભયજનક ભાગને તોડી પાડવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે, રેલવેપુરા વિસ્તારની હોટેલ મનીલાની બાજુમાં, ગુલમહોર હોટેલની સામે, મોતી બેકરીની બાજુમાં કાલુપુર કપાસિયા બજાર રોડ ઉપર આવેલા મકાનના ભયજનક ભાગને ઉતારી લેવા અગાઉ માલિક-કબજેદારને એસ્ટેટ વિભાગ તરફથી નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં મકાન ઉતારવા સંદર્ભે કોઈ કાર્યવાહી ના થતાં એસ્ટેટ વિભાગે તોડી પાડ્યો હતો.
જણાવી દઈએ કે, રથયાત્રાના રૂટ ઉપર કુલ 4,675 મકાન આવેલા છે. જે પૈકી આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 372 મકાનના માલિક કે વપરાશકર્તાઓને તેમના જર્જરિત મકાન કે તેના ભાગને તાકીદે ઉતારી લેવા એસ્ટેટ વિભાગ તરફથી નોટિસ આપવામાં આવી છે. હજુ રથયાત્રાને એક મહિના જેટલો સમય બાકી છે, ત્યારે રૂટ ઉપર આવેલા ભયજનક મકાન કે તેના જર્જરિત ભાગને તોડી પાડવાની કાર્યવાહી ચાલુ રાખવાનું જણાવાયું છે.
