Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજો હવે ભ્રષ્ટાચાર કે નબળી ગુણવત્તાના નમૂના સમાન સાબિત થઈ રહ્યા છે. સુભાષબ્રિજ બાદ હવે આશ્રમ રોડ પર આવેલા અત્યંત વ્યસ્ત એવા ઈન્કમટેક્સ ફ્લાય ઓવરમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે. માત્ર 6 વર્ષ અગાઉ 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજના જોઈન્ટ્સ ખુલી જતાં વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.
એન્જિનિયરોની કામગીરી અને નિરીક્ષણ પર સવાલ
આશ્ચર્યની વાત એ છે કે, ગત જુલાઈ મહિનામાં જ કોર્પોરેશનના એન્જિનિયરો દ્વારા આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો. આમ છતાં, ટૂંકા ગાળામાં જ બ્રિજના સ્પાન વચ્ચેના જોઈન્ટ્સ ખુલી જવા અને તેને ફિટ કરવા માટે લગાવેલા લોખંડના સ્ક્રૂ નીકળી જવા તે તંત્રની ઘોર બેદરકારી અને નબળા સુપરવિઝન તરફ આંગળી ચીંધે છે. કરોડો રૂપિયાના ટેક્સના પૈસાથી બનેલા પ્રોજેક્ટમાં આટલી જલ્દી ક્ષતિઓ દેખાતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વાહનચાલકો માટે જીવલેણ બની શકે છે આ ક્ષતિ
ઈન્કમટેક્સ બ્રિજ પરથી દિવસ-રાત હજારો વાહનો પસાર થાય છે. બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ્સ અલગ પડી રહ્યા હોવાથી ટુ-વ્હીલર ચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે:
- જોઈન્ટ્સ વચ્ચે જગ્યા હોવાથી ટુ-વ્હીલરના ટાયર ફસાઈ જવાની અને ચાલક ફંગોળાઈ જવાની શક્યતા છે.
- ખુલ્લા થયેલા બોલ્ટ સાથે ટાયર અથડાવાથી ચાલુ વાહને સ્લિપ થવાનો ભય રહે છે.
- ચોમાસામાં કે રાત્રિના સમયે ઓછી વિઝિબિલિટીમાં આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે છે.
તંત્રની ઉદાસીનતા
બ્રિજની સ્થિતિ અત્યંત જોખમી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી સાવચેતીના ભાગરૂપે કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી. તંત્ર એક તરફ બ્રિજ રિપેરિંગના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ હકીકત એ છે કે નવા બ્રિજોમાં પણ ગણતરીના વર્ષોમાં ક્ષતિઓ દેખાતા 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવો ઘાટ સર્જાયો છે.
