Ahmedabad News: ખોખરામાં દારૂ પીધેલો યુવક પકડાયો અને ખુલ્યું મુંબઈ-પુણેનું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર કૌભાંડ

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રોકી મેકવાન અને તેના અન્ય પાંચ સાગરીતો છેલ્લા દસેક મહિનાથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 27 Dec 2025 09:26 AM (IST)Updated: Sat, 27 Dec 2025 09:26 AM (IST)
ahmedabad-news-a-drunk-youth-was-caught-in-khokhara-and-the-mumbai-pune-international-call-center-scam-was-exposed

Ahmedabad News: અમદાવાદ શહેરમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની સતર્કતાને કારણે એક મોટા ગેરકાયદે કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ થયો છે. સામાન્ય રીતે દારૂ પીધેલા હાલતમાં પકડાયેલા એક યુવકની તપાસ કરતા પોલીસને આંતરરાષ્ટ્રીય સ્તરના છેતરપિંડીના નેટવર્કની કડીઓ મળી આવી છે, જે મુંબઈ અને પુણેથી અમેરિકન નાગરિકોને નિશાન બનાવતું હતું.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

ખોખરા પોલીસની ટીમ જ્યારે ખોખરા ગામ પાસેના સ્વિમિંગ પુલ પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે જાહેર રોડ પર દારૂ પીધેલી હાલતમાં રોકી મેકવાન નામનો યુવક મળી આવ્યો હતો. પોલીસ તેને મથકે લાવી અંગજડતી કરતા તેની પાસેથી બે કિંમતી આઈફોન મળી આવ્યા હતા. આ મોબાઈલ ફોનની ઉંડાણપૂર્વક તપાસ કરતા તેમાં કેટલીક શંકાસ્પદ ચેટિંગ મળી આવી હતી. આ ચેટિંગની તપાસમાં બહાર આવ્યું કે આ ટોળકી પુણે અને મુંબઈમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ડરાવીને તેમની પાસેથી રોકડ અને સોનું પડાવતી હતી.

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રોકી મેકવાન અને તેના અન્ય પાંચ સાગરીતો છેલ્લા દસેક મહિનાથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા હતા. આ આરોપીઓ પોતાને અમેરિકાની FTC (ફેડરલ ટ્રેડ કમિશન) ના અધિકારી તરીકે ઓળખાવતા હતા. તેઓ અમેરિકન નાગરિકોને ફોન કરીને ધમકાવતા હતા કે તેમના પાર્સલ કે કુરિયરમાં ગેરકાયદેસર સામાન મળ્યો છે. "તમારા ઘરે પોલીસ ઓફિસર આવશે" તેવો ડર બતાવી તેઓ ભોગ બનનાર પાસેથી સમાધાનના નામે મોટી રકમ અને સોનું ઉઘરાવતા હતા.

કંપનીના ડેટાનો દુરુપયોગ અને ‘કરન્સી કોડ’

આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે મુખ્ય આરોપી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આ કંપની અમેરિકન નાગરિકોને કસ્ટમર કેર સર્વિસ પૂરી પાડતી હોવાથી તેની પાસે રહેલા ગ્રાહકોના ડેટાનો ઉપયોગ આ ઠગાઈ માટે કરવામાં આવતો હતો. અમેરિકામાં બેઠેલા તેમના સાગરીતો ભોગ બનનારના ઘરે જઈને રોકડ અને ગોલ્ડ એકઠું કરતા હતા. આ રકમ બાદમાં હવાલા અને આંગડિયા મારફતે વિશિષ્ટ ‘કરન્સી કોડ’ નો ઉપયોગ કરીને અમદાવાદ મોકલવામાં આવતી હતી.

પોલીસ કાર્યવાહી

ખોખરા પોલીસે હાલ રોકી સેમ્યુઅલ પૌલ મેકવાનની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય પાંચ આરોપીઓ પાર્થ ગઢવી, સુજીત, પવન, લુકા અને ભૂરો આહીર હાલ ફરાર છે, જેમના વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.