Operation Delta Hunt: 'ઑપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ 362 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ, 782થી વધુ શંકાસ્પદ નાગરિકોની પૂછપરછ

બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 03 Jun 2026 08:49 PM (IST)Updated: Wed, 03 Jun 2026 08:49 PM (IST)
ahmedabad-news-362-illegal-bangladeshis-arrested-under-operation-delta-hunt-by-gujarat-police
HIGHLIGHTS
  • કાયદાનો ભંગ કરી આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે
  • પોલીસ પકડથી બચવા ભાગી છૂટવાનો પ્રયાસ કરનાર 18 બાંગ્લાદેશીઓને નાકાબંધી પોઈન્ટ પરથી પકડ્યા

Gujarat Police Operation Delta Hunt: ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન ઝુંબેશ 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' શરૂ કરવામાં આવી છે. 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત 362 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ તથા 782થી વધુ શંકાસ્પદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઓપરેશન સંદર્ભે વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ અંતર્ગત રાજ્યની સરહદો ઓળંગી ગેરકાયદેસર આશરો લઈ રહેલા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી કાઢી, તેમના પર કાયદાનો સકંજો કસી તેમને બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સૌથી વધુ 155 બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદ શહેરમાંથી પકડાયા

આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 362 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 103 પુરુષ, 188 મહિલા અને 71 બાળકોનો સમાવેશ થાય છે. ઓપરેશન અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ 155 બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદ શહેરમાંથી પકડાયા છે.

આ ઉપરાંત સુરત શહેરમાંથી 84, અમદાવાદ ગ્રામ્યમાંથી 34, પૂર્વ કચ્છ-ગાંધીધામથી 13 અને ભરૂચમાંથી 12 સહિત વિવિધ વિસ્તારોમાંથી અવૈધ રહેતા બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે. આ ઝુંબેશ દરમિયાન મોટી સંખ્યામાં, એટલે કે 782થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો પણ મળી આવ્યા છે, જેમની હાલ સઘન પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.

naidunia_image

વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ટેક્નોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સ માત્ર આ વ્યક્તિઓની જ નહીં, પરંતુ તેમને ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ, આશ્રય, નોકરી અથવા નકલી આધાર કાર્ડ અને વોટર આઈડી જેવા ખોટા દસ્તાવેજો પૂરા પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સની પણ ઓળખ કરી રહી છે.

ઘૂષણખોરોની મદદ કરનારને પણ બક્ષવામાં આવશે નહીં. પકડાયેલા તમામ ગેરકાયદેસર નાગરિકોને નિયમાનુસાર ડીટેન કરવામાં આવ્યા છે અને તેમને દેશની બહાર ડીપોર્ટ કરવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા આ ઓપરેશન ખૂબ ઝીણવટપૂર્વક પ્લાન કરવામાં આવ્યું હતું. શહેરોમાં રેડ ચાલુ થવાની સાથે જ સંભવિત ઘૂસણખોરો રાજ્ય બહાર ભાગી ન જાય તે માટે તમામ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશનો પર તાત્કાલિક અસરથી કડક નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી.

ભાગી છૂટવાનો પ્રયાસ કરનારા 18 બાંગ્લાદેશીઓને નાકાબંધી પૉઈન્ટ પરથી પકડ્યા

આ વ્યૂહાત્મક નાકાબંધીના કારણે રેડ દરમિયાન ભાગવાની કોશિશ કરી રહેલા અન્ય 18 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને પણ નાકાબંધીના સ્થળેથી જ ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

તપાસ દરમિયાન અનેક કિસ્સાઓમાં એવી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે કે, પકડાયેલા બાંગ્લાદેશીઓમાંથી કેટલાક લોકો 2-4 વર્ષ પહેલાં અથવા તેનાથી પણ વધુ સમય પહેલાં પશ્ચિમ બંગાળના જુદા-જુદા ગામડાઓ અને ક્ષેત્રોમાંથી ભારતમાં ઘૂસ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક વચેટિયાઓની મદદથી પશ્ચિમ બંગાળના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા અને તે લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે ભારતના સત્તાવાર આધાર કાર્ડ મેળવવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર નેટવર્કની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.

પશ્ચિમ બંગાળ સરહદ પર BSFના ફેન્સિંગના કામ માટે પશ્ચિમ બંગાળની નવી સરકારે જે જગ્યા ફાળવી આપી છે, તેનાથી આવનારા વર્ષોમાં દેશની સરહદો વધુ સુરક્ષિત બનશે અને ભવિષ્યમાં આવા ઘૂસણખોરોને ભારતમાં પ્રવેશવાનો મોકો નહીં મળે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' આગામી દિવસોમાં પણ રાજ્યના તમામ ક્ષેત્રો અને ચારેય વિસ્તારોમાં ચાલુ રહેશે. અને ગેરકાયદેસર રીતે વસતા દરેક તત્વને શોધીને ડીપોર્ટ કરવામાં આવશે.

એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં થયેલી આ કાર્યવાહીને ગુજરાત પોલીસની એક 'ઐતિહાસિક સફળતા' ગણાવીને તમામ પોલીસ યુનિટ્સને નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ સંપૂર્ણપણે ટેકનિકલ ડેટા અને ફિલ્ડ વેરિફિકેશન પર આધારિત છે. 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા મળેલા ટેકનિકલ તેમજ લોકલ ઇનપુટ્સના આધારે ગુજરાતમાં વ્યાપક ટેલિકોમ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

તેના આધારે બાંગ્લાદેશના નંબરો સાથે વાસ્તવિક વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરાયો છે. આ પદ્ધતિથી 6200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓનો ડેટાબેઝ એકત્ર કરી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.