Ahmedabad: સરસપુરમાં ઉંદરે દીવેટ ખેંચતા દીવો નીચે પડતાં સૂઈ રહેલું 3 વર્ષનું બાળક સળગી ગયું

ઘરમાં લાઈટ ના હોવાથી પરિવાર દીવો સળગાવી પાળી પર રાખીને સૂઈ ગયો ત્યારે ઉંદરે દીવેટ ખેંચતા બનેલો કરુણ બનાવ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 07 Dec 2025 08:03 PM (IST)Updated: Sun, 07 Dec 2025 08:03 PM (IST)
ahmedabad-news-3-year-old-boy-burn-to-death-at-saraspur

Ahmedabad: સરસપુરના રબારીવાસમાં આવેલ પતરાવાળી ચાલીમાં રહેતો શ્રમિકના ઘેર લાઇટ ન હોવાથી રાત્રિના સમયે ઘરમાં દિવો પ્રગટાવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે ઉંદર આવીને સળગતા દિવાની વાટ ખેંચતા દિવો બાળક ઉપર પડયો હતો. જેને લઈ આગ લાગતા બાળક ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સરસપુર પોટલિયા ચાર રસ્તા નજીક આવેલ પતરાવાળી ચાલી રહેતા રહેતા પરિવારના મકાનમાં ગત 1 ડિસેમ્બરના રોજ રાતે લાઈટો નહતી. આથી પરિવારના મોભીએ ઘરમાં અજવાળું કરવા માટે પાળી પર દીવો સળગાવ્યો હતો.

જો કે રાતના 2 વાગ્યાની આસપાસ અચાનક આવી ચડેલા ઉંદરે સળગતા દીવાની વાટને ખેંચી હતી. જેથી સળગતો દીવો નીચે સૂઈ રહેલા 3 વર્ષના બાળક પર પડ્યો હતો.

ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પાંચ દિવસની સઘન સારવારના અંતે બાળકનું મોત નીપજ્યું હતુ. આ ઘટનાને લઈને બાળકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો શાહીબાગ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.