Ahmedabad: શહેરના નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે, તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા મે 2026 દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં અનેક જાણીતા એકમોના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ સાબિત થયા છે.
મે મહિનાના ચોંકાવનારા આંકડા
મે મહિના દરમિયાન ફૂડ વિભાગ દ્વારા વિવિધ એકમોમાંથી કુલ 862 નમૂના લેવામાં આવ્યા હતા, જે પૈકી 7 નમૂના 'અનસેફ' (બિનઆરોગ્યપ્રદ) અને 21 નમૂના 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવ્યા છે.
ફૂડ વિભાગ દ્વારા બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસતા એકમો પાસેથી કુલ 10,51,700 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સાથ જ આશરે 1539 કિલો/લીટર જેટલા બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
કયા પદાર્થો ‘અનસેફ’ અને ‘સબ-સ્ટાન્ડર્ડ’ જાહેર થયા
- નિકોલ રિંગ રોડ પર આવેલ શેફાયર ફૂડ્સ (Sapphire Foods) માંથી લેવાયેલ તેલનો નમૂનો અને નિકોલના જ મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સનું ગાયનું ઘી (મંગલમૂર્તિ) ‘અનસેફ’ જાહેર થયું છે
- માધુપુરા વિસ્તારના અવિનાશ મસાલાનો હળદર પાવડર અને જય માતાજી ટ્રેડર્સનો મરચું પાવડર પણ ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે.
- મણીનગરના મનપસંદ પકોડી સેન્ટરનું પાણી, બોપલના ક્વોલિટી આઈસ્ક્રીમ અને નવરંગપુરાના 'જોહની દા ઢાબા'નું ચીઝ ‘સબ-સ્ટાન્ડર્ડ’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે .
- નવા વાડજ સ્થિત પટેલ રજવાડી ટી સ્ટોલ ખાતે રગડાના સેમ્પલ અને શ્રીજી ફાસ્ટ ફૂડના બટરના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ
- બાપુનગર સ્થિત જીત રસ સેન્ટરમાંથી લીધેલા કેરીના રસના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ
- શાહીબાગ સ્થિત મુરલીધર આઈસ્ક્રીમ એન્ડ સ્વીટ્સમાંથી લીધેલ મેંગો મિલ્ક શેકના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ
- સરદાર પટેલ સ્ટેડિયમ નજીક કર્ણાવતી દાબેલીના વેજીટેબલ સૉસના સેમ્બલ સબ સ્ટાન્ડર્ડ
મોકા કાફે સીલ અને એનાલોગ પનીર સામે ઝુંબેશ
AMCએ 28 મે 2026ના રોજ બોડકદેવમાં આવેલ મોકા કાફે (Moka Cafe) માં તપાસ કરી હતી, જ્યાં ગંદકી અને અનહાઈજેનિક સ્થિતિ જોવા મળતા જનતાના સ્વાસ્થ્યના હિતમાં આ એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત પનીરના નામે વેચાતા નકલી ‘એનાલોગ પનીર’ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 27 જેટલા એકમોમાં એનાલોગ પનીરનો વપરાશ પકડાયો છે. તંત્રએ ચીમકી આપી છે કે આગામી દિવસોમાં એનાલોગ પનીર વેચનાર એકમોને પણ સીલ કરવામાં આવશે.
QR કોડ સિસ્ટમ જનતાની સુરક્ષા માટે AMCએ હવે સ્ટ્રીટ વેન્ડર્સ અને લારીઓ પર QR કોડ સિસ્ટમ દાખલ કરી છે. અત્યાર સુધીમાં 7348 થી વધુ વેન્ડર્સનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ગ્રાહકો આ QR કોડ સ્કેન કરીને જે-તે ખાણી-પીણીના એકમની સ્વચ્છતા અને હાઈજીન અંગે સીધો પ્રતિભાવ આપી શકશે.
AMC ના ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે અને લાયસન્સ વગર કે નિયમોનું ઉલ્લંઘન કરી ધંધો કરતા એકમો સામે FSSA એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
