Ahmedabad News: અમદાવાદના સરખેજમાં સોનલ સિનેમા રોડ પર નેહા ફ્લેટ નામની ફ્લેટની સ્કીમનું મંજૂરી વગર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જે અંગેની જાણ અમદાવાદ મહાનગરપાલિકાને થતાં પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મંજૂરી વગરનું બાંધકામ અટકાવવામાં આવ્યું હતું તેમજ 27 યુનિટનું બાંધકામ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું હતું. સાથેજ જરૂરી કાર્યવાહી કરી સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના ઇલેક્શન વોર્ડ સરખેજમાં આવેલ ટીપી સ્કીમ નંબર 83, ફાઇનલ પ્લોટ નંબર. 82 પૈકીમાં સોનલ સિનેમા રોડ ઉપર બિનપરવાનગીએ નેહા ફલેટ નામની રહેણાંક સ્કીમ પ્રકારનું બાંધકામ ચાલુ કરવામાં આવતા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ બીનપરવાનગીના બાંધકામને અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરી સીલ કરવામાં આવ્યું છે.
અગાઉ સને 2020ના ઓકટોબર મહિનામાં આ બાંધકામને તોડી બિનવપરાશી કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં આ જ્ગ્યાએ ફરીથી બાંધકામ પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું. જેથી કાર્યવાહી કરીને મિલકતને સીલ કરી બાંધકામ આગળ થતું અટકાવવામાં આવ્યું હતું. તથા મંજૂર કરાવી બાંધકામ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં બાંધકામ કરતા ઇસમો દ્વારા બાંધકામ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી હતી.
આજ તારીખ 25 ઓક્ટોબર 2024ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તથા 3- હિટાચી મશીન,6- બ્રેકર મશીન , 7- ગેસ કટર તથા 45- ખાનગી કોન્ટ્રાક્ટરના મજુર દ્વારા નેહા ફ્લેટ નામની રહેણાંક સ્કીમના કુલ 27 યુનિટના બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે
