Ahmedabad: ગુજરાતમાં પતંગના પર્વ ઉત્તરાયણની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે ઉત્સાહના આ પર્વમાં કેટલીક કરૂણ ઘટનાઓ સામે આવી છે. જેમાં અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં પતંગની દોરીથી ગળું કપાઈ જતાં બે યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે જેતપુરમાં ધાબા પરથી પટકાયેલી મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મોપેડ પર જતાં વિદ્યાર્થીના ગળામાં ચાઈનીઝ દોરી લપેટાઈ જતાં લોહીના ફૂવારા ઉડ્યા
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામમાં બસ સ્ટેન્ડ નજીકથી તિર્થ પટેલ (17) નામનો ધો.11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મોપેડ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેના ગળામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી લપેટાઈ ગઈ હતી. ધારદાર દોરીના કારણે તિર્થનું ગળું કપાઈ જતાં લોહીના ફૂવારા ઉડવા લાગ્યા હતા. આથી તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ વધુ લોહી વહી જતાં વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો.
આવો જ અન્ય એક બનાવ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં જંબુસર તાલુકાના પીલુદરા ગામમાં રાહુલ પરમાર નામનો યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો. આ સમયે અચાનક પતંગની દોરી તેના પર આવી પડતા રાહુલનું ગળું ચીરાઈ ગયુ હતુ. આ ઘટનામાં રાહુલનું પણ મોત નીપજ્યું છે.
ઝાડ પર ફસાયેલો પતંગ ઉતારવા જતા બાળકીને ઝાટકો લાગ્યો
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રીંછીયા આટા ગામમાં એક બાળકી ઝાડમાં ફસાયેલો પતંગ ઉતારી રહી હતી. આ સમયે ઝાડની ડાળી ત્યાં ઉપરથી પસાર થઈ રહેલી હાઈ વોલ્ટેજ વીજ લાઈનના સંપર્કમાં આવતા કરંટ ઉતર્યો હતો. જેના કારણે બાળકીને જોરદાર ઝાટકો લાગતા ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તો બાળકીને સારવાર અર્થે ગોધરા સિવિલમાં રિફર કરવામાં આવી છે.
અન્ય એક બનાવમાં રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં રહેતી 38 વર્ષીય મહિલા ઉત્તરાયણની મજા માણવા માટે ધાબા પર ચડી હતી. આ દરમિયાન અકસ્માતે મહિલા નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જાણાતા વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવી છે.
