Ahmedabad News: અમદાવાદ મુંબઇ વચ્ચે દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે મહત્વનો નિર્ણય પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા લેવામાં આવ્યો છે. આગમી તહેવારોને ધ્યાનમાં રાખીને આવતી 26 જાન્યુઆરીથી આ વંદે ભારત(Vande Bharat Train) એક્સપ્રેસ ટ્રેનમાં ચાર વધારાના કોચનો ઉમેરો કરવામાં આવશે. એટલે કે 26 જાન્યુઆરીથી 7 માર્ચ દરમિયાન આ ટ્રેન 16ના બદલે 20 કોચ સાથે દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા તથા વધતી માંગને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 22961/22962 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ(Ahmedabad Mumbai Vande Bharat Express)માં અસ્થાયી રૂપે 4 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન તારીખ 26 જાન્યુઆરી 2026 થી 07 માર્ચ 2026 દરમિયાન હાલના 16 કોચના બદલે 20 કોચ (20 કોચ રેક) સાથે સંચાલિત કરવામાં આવશે.
આ વૃદ્ધિના અંતર્ગત હાલના C14 કોચની ક્ષમતા 44 સીટોથી વધારીને 78 સીટો કરવામાં આવી રહી છે. તે ઉપરાંત, વધારાના ચાર નવા એસી ચેર કાર કોચ C15, C16, C17 (દરેકમાં 78 સીટો) તથા C18 (44 સીટો) ટ્રેન સંરચનામાં ઉમેરવામાં આવી રહ્યા છે. આ રીતે આ ટ્રેનમાં 278 મુસાફરો વધુ મુસાફરી કરી શકશે. પશ્ચિમ રેલવે મુસાફરોને વધુ સુવિધાજનક, આરામદાયક તથા સુરક્ષિત મુસાફરી ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
