અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સાબરમતી નદી પર 12 માળ ઊંચા બ્રિજનું બાંધકામ પૂર્ણ, જાણો 480 મીટર લાંબા પુલની ખાસિયતો

આશરે 36 મીટર એટલે કે 118 ફૂટ ઊંચો આ બ્રિજ 12 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 04 Oct 2026 08:48 AM (IST)Updated: Sun, 04 Oct 2026 08:48 AM (IST)
ahmedabad-mumbai-bullet-train-sabarmati-river-bridge-construction-complete
બુલેટ ટ્રેન સાબરમતી નદી બ્રિજ

Bullet Train Sabarmati River Bridge: દેશના સૌથી મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદી પર 480 મીટર લાંબા અદ્યતન બ્રિજનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આશરે 36 મીટર એટલે કે 118 ફૂટ ઊંચો આ બ્રિજ 12 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવે છે, અને તેને વિશિષ્ટ બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડથી તૈયાર કરવામાં આવ્યો છે.

જમીનથી 14.8 મીટરની ઊંચાઈ અને સ્ટેશનથી અંતર

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરની કામગીરી મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ નવો બ્રિજ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઈનની નજીક આવેલો છે, જે જમીનથી આશરે 14.8 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ભૌગોલિક સ્થાનની દ્રષ્ટિએ આ બ્રિજ સાબરમતી સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર અને અમદાવાદ સ્ટેશનથી 4 કિલોમીટરના અંતરે આવેલો છે.

વર્ટિકલ ક્લિયરન્સ અને પિલર્સની વ્યૂહાત્મક ગોઠવણી

બુલેટ ટ્રેન કોરિડોરમાં ફ્લાયઓવર, પુલ, રેલવે લાઈન અને મેટ્રો કોરિડોર જેવી માળખાકીય સુવિધાઓ આવેલી હોવાથી જરૂરી વર્ટિકલ ક્લિયરન્સ જાળવવા માટે સાબરમતી નદી બ્રિજના પિલરની ઊંચાઈ વધુ રાખવામાં આવી છે. આ પુલમાં 8 સર્ક્યુલર પિલર (વર્તુળાકાર થાંભલા) બનાવવામાં આવ્યા છે, જેનો વ્યાસ 6 થી 6.5 મીટરની વચ્ચે છે:

  • નદીના પટમાં પિલર: 4 પિલર નદીના પટમાં સ્થિત છે.
  • કિનારા પર પિલર: બંને કિનારા પર એક-એક પિલર આવેલા છે.
  • કિનારાની બહાર પિલર: 2 પિયર્સ નદીના કિનારાની બહાર સ્થિત છે.

પિલરની આ વ્યૂહાત્મક ગોઠવણીના કારણે સાબરમતી નદીના જળપ્રવાહમાં ઓછામાં ઓછો અવરોધ ઊભો થાય તે બાબત ધ્યાને રાખવામાં આવી છે.

76 મીટરના લાંબા સ્પાન, ઈન-સીટુ કાસ્ટિંગ ટેકનોલોજી

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના મોટા ભાગના નદી પુલોમાં આશરે 40 મીટરના નાના સ્પાન હોય છે. પરંતુ આ પુલમાં 50 થી 76 મીટર સુધીના લાંબા સ્પાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે નદીના પટમાં જરૂરી પિયર્સની સંખ્યા ઘટાડી શકાય છે. આ પુલમાં 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનનો સમાવેશ થાય છે.

દરેક સ્પાનમાં 23 સેગમેન્ટ છે, જેનું કાસ્ટિંગ બાંધકામ સ્થળ પર જ (In-situ) કરવામાં આવ્યું છે. આ સેગમેન્ટના બાંધકામ માટે ઉચ્ચ સ્તરની પ્રિસિઝન એન્જિનિયરિંગ, કુશળ માનવબળ તેમજ દરેક તબક્કે કડક ગુણવત્તા ચકાસણી કરવામાં આવી છે.

સાબરમતી નદી બુલેટ ટ્રેન બ્રિજ: એક નજરે મુખ્ય વિગતો

કુલ લંબાઈ 480 મીટર
બ્રિજની ઊંચાઈ 36 મીટર / 118 ફૂટ (12 માળની બિલ્ડિંગ જેટલી)
જમીનથી ઊંચાઈ 14.8 મીટર
કુલ પિલર (વ્યાસ) 8 સર્ક્યુલર પિલર (વ્યાસ 6 થી 6.5 મીટર)
પિલરની સ્થિતિ 4 નદીના પટમાં, 2 કિનારા પર, 2 કિનારા બહાર
સ્પાનની રચના 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાન (કુલ 7)
સેગમેન્ટ્સ દરેક સ્પાનમાં 23 સેગમેન્ટ (ઈન-સિટુ કાસ્ટિંગ)
બાંધકામ પદ્ધતિ બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડ અને પોસ્ટ-ટેન્શનિંગ

બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડ અને પોસ્ટ-ટેન્શનિંગ બ્રિજ ડેક

સાબરમતી બ્રિજનું સુપર-સ્ટ્રક્ચર નિર્માણ વિશિષ્ટ બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડ (Balanced Cantilever Method) દ્વારા કરવામાં આવ્યું છે. આ પદ્ધતિ નદીઓ અને ઊંડા જળમાર્ગો પર લાંબા સ્પાનવાળા પુલનું નિર્માણ માટે અત્યંત યોગ્ય છે. જેમાં પુલના ડેકની નીચે પરંપરાગત સ્કેફોલ્ડિંગ (ટેન્દ્રા) ઊભું કર્યા વિના સુપર-સ્ટ્રક્ચરનું બાંધકામ કરી શકાય છે.

પિયર્સ પરથી સેગમેન્ટ્સને ક્રમશઃ સ્થાપિત કરવામાં આવ્યા છે. દરેક પિયરની બંને બાજુ સંતુલિત રીતે નિર્માણ કરીને અને પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા તેમને જોડીને એક સ્થિર અને સતત બ્રિજ ડેક તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 21 પૈકી 18 નદી પુલનું બાંધકામ પૂર્ણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 25 નદી પુલ આવે છે, જેમાંથી 21 પુલ ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં આવેલા છે. ગુજરાતમાં નિર્ધારિત 21 નદી પુલોમાંથી 18 નદી પુલોનું બાંધકામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.