અમદાવાદમાં રોગચાળો વકર્યો: 33 હજાર મકાનોમાંથી મળ્યું મચ્છરોનું બ્રિડિંગ, પાણીના 47 સેમ્પલ અનફિટ, ડેન્ગ્યૂના કેસોમાં નોંધપાત્ર વધારો થયો

અમદાવાદમાં ચોમાસા દરમિયાન ડેન્ગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાયો છે. AMCના પાણીના 47 સેમ્પલ પીવાલાયક ન મળ્યા જ્યારે 34 સેમ્પલમાં ક્લોરિનની માત્રા શૂન્ય મળી આવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 05 Aug 2026 09:03 AM (IST)Updated: Wed, 05 Aug 2026 09:03 AM (IST)
ahmedabad-monsoon-disease-outbreak-mosquito-waterborne-cases-chlorine-missing-water-samples

Ahmedabad Disease Outbreak: અમદાવાદ શહેરમાં મોડા શરુ થયેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં મોટો વધારો નોંધાયો છે. જુલાઈ માસ દરમિયાન મનપાના હેલ્થ વિભાગ દ્વારા લેલવાયેલા પાણીના સેમ્પલોમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં 47 સેમ્પલ પીવાલાયક નહોતા જ્યારે 34 સેમ્પલમાં કલોરિનની માત્રા શુન્ય મળી આવી છે.

જુલાઈ માસમાં નોંધાયેલા રોગચાળાનો આંકડો

અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ અને વરસાદે વિરામ લીધા પછી રોગચાળામાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. જેમાં ડેન્ગ્યૂના રોજના સરેરાશ બે કેસો નોંધાય છે જેમાં મહિનામાં કુલ 60 કેસો, ઝેરી મેલેરિયાના 4 કેસો, મેલેરિયાના 38 કેસો અને ચિકનગુનિયાના 01 કેસો નોંધયેલ છે. ઉપરાંત, ઝાડા-ઉલટી કુલ 422 કેસો, ટાઇફોઇડ 267 કેસ, કમળાના 88 કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

33 હજારથી વધારે મકાનોમાં મચ્છરોનું બ્રી઼ડિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 7 ઝોનમાં 20.20 લાખથી વધારે રહેઠાણોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન 33,742 મકાનોમાંથી મચ્છર અને બ્રિડીંગ મળી આવ્યા હતા.

ઝોનવાઇઝ મચ્છરોનો ઉપદ્રવ

મચ્છરોનો ઉપદ્રવ કેટલો છે તે નક્કી કરવા માટે હાઉસ ઇન્ડેક્સ, બ્રેટો ઇન્ડેક્સ અને્ કન્ટેનર ઇન્ડેક્સનો પ્રયોગ થાય છે. આ ઇન્ડેક્સ 5થી ઓછો હોય તો સ્થિતિ સામાન્ય ગણાય છે. સૌથી વધુ મચ્છરનું બ્રિડિંગ પૂર્વ ઝોન 07,033 મકાન) અને દક્ષિણ ઝોન 06,325 મકાનમાં જોવા મળ્યું છે.

ઝોન મચ્છર મળેલા મકાન હાઉસ ઇન્ડેક્સ (HI) બ્રેટો ઇન્ડેક્સ (BI) કન્ટેનર ઇન્ડેક્સ (CI)
મધ્ય ઝોન 3,561 1.9 2.2 1.0
ઉત્તર ઝોન 4,993 2.1 1.4 0.6
પૂર્વ ઝોન 7,033 1.9 1.5 0.5
પશ્ચિમ ઝોન 4,906 1.0 1.1 0.5
દક્ષિણ ઝોન 6,325 2.5 2.1 0.8
ઉત્તર-પશ્ચિમ ઝોન 3,812 1.5 1.5 0.6
દક્ષિણ-પશ્ચિમ ઝોન 3,112 1.4 1.7 0.6

પાણીના ચેકિંગમાં મોટો ખુલાસો: 47 સેમ્પલ પીવાલાયક નહીં

રોગચાળો અટકાવવાના ભાગરુપે હેલ્થ વિભાગ દ્વારા જુલાઈમાં 8,575 પાણીના બેક્ટેરિયોજીકલ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 47 સેમ્પલ અનફિટ જાહેર કરાયા છે. આ સિવાય રેસિડેન્સિયલ ક્લોરિન ચકાસણી માટે લેવાયેલા 59,591 સેમ્પલમાંથી ક્લોરિન જ ગાયબ હતું.

ઝોનવાર પાણીના કેટલા સેમ્પલ અનફિટ?

ઝોન પાણીના સેમ્પલ અનફિટ સેમ્પલ
મધ્ય 985 04
પશ્ચિમ 1,397 01
ઉ.પ. 750 14
દ.પ. 688 08
ઉત્તર 1,102 05
પૂર્વ 1,093 07
દક્ષિણ 1,656 08