Ahmedabad News: અમદાવાદ મેટ્રોના ફેઝ-2 માટે મુસાફરોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. જૂન મહિનાના અંતમાં અમદાવાદ શહેરમાં સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી 10 નવી અત્યાધુનિક ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન આવી પહોંચશે.
સ્વદેશી મેટ્રો ટ્રેનની સુવિધા પ્રાપ્ત થશે
પશ્ચિમ બંગાળની ટીટાગઢ રેલ સિસ્ટમ્સ દ્વાર સંપૂર્ણ સ્વદેશી ડ્રાઈવલેસ મેટ્રો ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. 'મેક ઇન ઇન્ડિયા' પ્રોજેક્ટ હેઠળ બનેલી 3 કોચ ધરાવતી એક ટ્રેનની કિંમત અંદાજે 35 કરોડ રુપિયા છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને,આ ટ્રેનો ટ્રેક પર દોડતા પહેલા 6થી 8 મહિના સુધી કડક સિસ્ટમ અને સેફ્ટી ટેસ્ટિંગ કરવામાં આવશે
ગરબા અને ઉત્તરાયણની થીમ સાથે દેશની પ્રથમ સ્વદેશી મેટ્રો
- સંપૂર્ણ સ્વદેશી: અમદાવાદ મેટ્રોની 32 ટ્રેનો અગાઉ દક્ષિણ કોરિયાથી આયાત કરવામાં આવી. જ્યારે આ નવી 10 ટ્રેનો સંપૂર્ણપણે ભારતમાં જ નિર્માણ પામી છે.
- સાંસ્કૃતિક લુક: આ ટ્રેનોની વિશેષતા છે કે, તેની ડિઝાઈન 'ગરબા' અને 'ઉત્તરાયણ' ની થીમ પર આધારિત રાખવામાં આવી છે.
સ્વદેશી હાઈટેક મેટ્રોની ખાસિયતો
- ડ્રાઈવરલેસ ટેક્નોલોજી: આ ટ્રેન ઓટોમેશન ગ્રેડ-4 ટેક્નોલોજીથી સજ્જ છે.
- ઝડપ અને મજબૂતાઈ: આકર્ષક સ્ટેનલેસ સ્ટીલ બોડી ધરાવતી ટ્રેન ટ્રેક પર પ્રતિકલાક 80થી 90 કિમીની ઝડપ સાથે દોડશે.
- આધુનિક સુવિધા: આ ટ્રેન સંપૂર્ણ એરકન્ડિશન્ડ હશે. ઉપરાંત, મુસાફરો માટે ડિજિટલ ડિસ્પ્લે અને સ્માર્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
- સુરક્ષા અને મેન્ટેનન્સ: પ્રવાસીઓની સુરક્ષા માટે દરેક કોચમાં હાઈટેક સીસીટીવી કેમેરા અને ફાયર ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે.
ટ્રેનનું ટેસ્ટિંગ કયારે શરુ કરાશે
જૂન મહિનાના અંતમાં ટ્રેન આવ્યા બાદ રિસર્ચ ડિઝાઈન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન અને કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા 6થી 8 મહિના સુધી સઘન ટેસ્ટિંગ કરવામાં આવશે. ગ્રીન સિગ્નલ મળ્યા બાદ આ ટ્રેન મુસાફરો માટે ખુલ્લી મુકાશે. આ ટ્રેનોના મેન્ટેનન્સની શરુઆત ગ્યાસપુર ખાતે કરવામાં આવશે, ત્યારબાદ ગાંધીનગરનો ઈન્દ્રોડા ડેપો તૈયાર થતાં ત્યાં શિફ્ટ કરવામાં આવશે.
