Ahmedabad Fire News: અમદાવાદ શહેરમાં આગની ઘટનાઓનો સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિવાળી તહેવારમાં ઘણી જગ્યાએ આગના બનાવો બન્યા હતા. હવે એક વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના ગ્યાસપુર મેટ્રો ડેપો પાસે આજ સવારે ઝૂપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હતી. ઝૂપડાઓમાં આગ લાગતાં લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કેવી રીતે સર્જાઈ ઘટના
ગ્યાસપુર વિસ્તારમાં આવેલા મેટ્રો ડેપો નજીક આજે સવારના સમયે કોઈ કારણોસર ઝૂપડપટ્ટીમાં આગ લાગી ગઈ હતી. જેથી સ્થાનિકોમાં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ 12 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ગાડીઓ દ્વારા અગનજ્વાળાઓ પર પાણીના ફુવારો મારીને આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી પડી હતી.
50 ઝૂપડા સળગી ગયા
ફાયર જવાનો દ્વારા પાણીનો સતત મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. ઘટના અંગે જાણ થતાં શહેરના મેયર હિતેશ બારોટ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ફાયર વિભાગના અહેવાલ પ્રમાણે આગના લીધે અંદાજે 50 જેટલા ઝૂપડાઓ બળીને રાખ થઈ ગયા હતા. જોકે, આગની મોટી દુર્ઘટના સર્જાઈ તેમાં કોઈ જાનહાનિનો અહેવાલ સામે આવ્યો નથી.
