Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન રોડ થશે 100 ફૂટ પહોળો, 250 દુકાનો કપાતમાં જશે

કપાતમાં આવનારી દુકાનોના સંચાલકોને વળતર આપવાની વિચારણા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 31 Mar 2026 08:43 AM (IST)Updated: Tue, 31 Mar 2026 08:43 AM (IST)
ahmedabad-kalupur-railway-station-road-widening-bullet-train-junction
HIGHLIGHTS
  • કાલુપુર રેલવે સ્ટેશન રોડ પહોળો થશે
  • હયાત 80 ફૂટમાંથી 100 ફૂટનો કરાશે
  • કામગીરીને પગલે 250 દુકાનો કપાતમાં

Ahmedabad Kalupur Road Widening: અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન આગામી સમયમાં બુલેટ ટ્રેન, મેટ્રો અને ભારતીય રેલવેનું મોટું મલ્ટી મોડલ જંક્શન બનવા જઈ રહ્યું છે. આ મેગા-ડેવલપમેન્ટના પગલે ભવિષ્યમાં વધનારા વાહનોના ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મનપા દ્વારા કાલુપુર સ્ટેશનની આસપાસના મુખ્ય માર્ગને 100 ફૂટ પહોળો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

250 દુકાનોમાં 10 ફૂટ સુધીનું કપાત

હાલમાં 80 ફૂટની પહોળાઈ ધરાવતો કાલુપુર સ્ટેશન રોડ હવે 100 ફૂટનો નવો 'કોરિડોર' બનશે. આ પ્રોજેક્ટના પ્રાથમિક સર્વે મુજબ, કાળુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર ચાર રસ્તા સુધીના વિસ્તારમાં આવતી અંદાજે 250 જેટલી દુકાનોમાં 10-10 ફૂટની કપાત આવશે.

આ કપાતની સીધી અસર કાલુપુર સ્ટેશન રોડ પર આવેલા ત્રિકોણીયા વિસ્તારના એકમો પર પડશે. ખાસ કરીને તેલ બજારની વર્ષો જૂની દુકાનો, ગુજરાત હજ હાઉસની લાઈનમાં આવેલી દુકાનો, અને મોતી મહેલ લાઈનમાં આવેલા ગેસ્ટ હાઉસ, રેસ્ટોરાં તથા હોટેલો આ કપાતમાં જશે.

અન્ય કયા વિસ્તારમાં થશે સરવે?

ફક્ત કાળુપુર રેલવે સ્ટેશન રોડ જ નહીં, પરંતુ ભવિષ્યમાં આસપાસના અન્ય રોડને પણ 100 ફૂટ પહોળા કરવાનું આયોજન છે. અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા અન્ય વિસ્તારોમાં પણ સર્વે અને આકારણી હાથ ધરવામાં આવશે.

  • કાલુપુર ટ્રાયએંગલ: કાલુપુર ચાર રસ્તાથી રેલવે સ્ટેશન અને ત્યાંથી મોતી બેકરી થઈ પરત કાલુપુર ચાર રસ્તા સુધીના માર્ગને 100 ફૂટનો કરવામાં આવશે.
  • ચોખા બજાર: પ્રેમ દરવાજાથી ચોખા બજાર થઈને કાલુપુર ચાર રસ્તા સુધીના માર્ગનો સર્વે કરાશે.
  • સારંગપુર: સારંગપુર પાણીની ટાંકીથી રેલવે સ્ટેશન સામે આવેલી DCP ઓફિસ સુધીના માર્ગને પણ પહોળો કરવાનું આયોજન છે.

વેપારીઓ માટે વળતરની વિચારણા

મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમ્ય ભટ્ટના જણાવ્યા અનુસાર, કાલુપુર ચાર રસ્તાથી રેલવે સ્ટેશન અને પરત મોતી બેકરી સુધીના વિસ્તારમાં 80 ફૂટના રોડને TP મુજબ 100 ફૂટ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. કપાતમાં આવનારી 250 દુકાનોના સંચાલકોને નિયમ મુજબ વળતર આપવાની પ્રક્રિયા હાલમાં વિચારણા હેઠળ છે. આ વિસ્તરણ થવાથી ભવિષ્યમાં કાલુપુર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે.