અમદાવાદ: કાલુપુરમાં કપડાની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી, ફાયર વિભાગની 6 ગાડીઓએ આગ બુઝાવી

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મોડી રાત્રે એક કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી, જે ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી ફેલાઈ હતી. ફાયર વિભાગની 6 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી, જેમાં દુકાનનો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 11 Sep 2026 12:07 PM (IST)Updated: Fri, 11 Sep 2026 12:07 PM (IST)
ahmedabad-kalupur-cloth-shop-fire-controlled-by-6-fire-engines

Ahmedabad Fire News: અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં એક કપડાની દુકાનમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણ રીતે પોતાના કાબૂમાં લીધી હતી.

કાલુપુરમાં કાપડની દુકાનમાં આગ લાગી

મળતી માહિતી મુજબ, શહેરના કાલુપુર વિસ્તારમાં પાંચ કુવા દરવાજા બહાર આવેલી કપડાંની દુકાનમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળે સુધી પહોંચતાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે આસપાસના લોકોએ મોડી રાત્રે 12.20 વાગ્યે ફાયર સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી

પાંચકુવા ફાયર સ્ટેશનના અધિકારી મૃગેશદાન ગઢવીના જણાવ્યા મુજબ, કાલુપુર વિસ્તારમાં આર. કે ક્રિએશન નામની દુકાનમાં આગ લાગી હતી. આ ચોથા માળે પહોંચતાં ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યાં સુધીમાં દુકાનમાં રહેલો કપડાનો માલસામાન સળગીને ખાક થઈ ગયો હતો.

ફાયર વિભાગે આગને કાબૂમાં લેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના લીઘે દુકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.