Ahmedabad: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ ગઈકાલે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે PM નરેન્દ્ર મોદીના જીવન અને વિચારો પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ નમોત્સવ નિહાળ્યો હતો અને ગાંધીનગર સ્થિત GIFT સિટીની કાર્યપ્રણાલીની સમીક્ષા કરી હતી.
નમોત્સવ: કલા અને ટેકનોલોજીનો સંગમ
અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આયોજિત આ કાર્યક્રમના ત્રીજા દિવસનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. આ મ્યુઝિકલ શૉમાં 150 જેટલા કુશળ કલાકારોએ પ્રધાનમંત્રીશ્રીના જીવનના વિવિધ પાસાઓને રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં વડનગરની શેરીઓથી શરૂ થયેલી તેમની સફર અને દેશના પ્રધાનમંત્રી તરીકેના તેમના સંકલ્પોને સંગીત અને નૃત્ય દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી તેમની કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણના વિઝનને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સચિવશ્રીએ મંત્રાલયના પ્રકાશન વિભાગ અને CBC દ્વારા લગાવાયેલા બુક સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. અહીં પ્રધાનમંત્રી દ્વારા લખાયેલા પુસ્તકો (જેમ કે 'એક્ઝામ વોરિયર્સ') અને તેમના પર લખાયેલા શ્રેષ્ઠ પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું.

GIFT સિટીની મુલાકાત અને ભવિષ્યનું વિઝન
સૌપ્રથમ સવારે શ્રી સંજય જાજુએ ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City)ની મુલાકાત લીધી હતી. તેમણે સિટીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને અત્યાધુનિક યુટિલિટી ટનલનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત IFSCAના અધ્યક્ષ કે. રાજારામન સાથે મુલાકાત કરી ભવિષ્યની યોજનાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ગિફ્ટ સિટી કેવી રીતે વૈશ્વિક ફાઇનાન્સ હબ બની રહ્યું છે અને તેનાથી થતા આર્થિક લાભો અંગે સચિવશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ મુલાકાત પ્રસંગે PIB અમદાવાદના એડિશનલ ડિરેક્ટર જનરલ પ્રશાંત પાઠરાબે તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
