અમદાવાદના 'જેલ ભજીયા હાઉસ' ને મળ્યો હેરિટેજ લુક, 3 માળની આધુનિક ઈમારત તૈયાર; વિશેષ મ્યુઝિયમનો પણ સમાવેશ

ત્રણ માળની ઈમારતમાં રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને વિશેષ મ્યુઝિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 15 Sep 2026 11:33 AM (IST)Updated: Tue, 15 Sep 2026 11:33 AM (IST)
ahmedabad-jail-bhajiya-house-new-heritage-look-gandhi-thali-museum-details
અમદાવાદ જેલ ભજીયા હાઉસ

Ahmedabad Jail Bhajiya House: અમદાવાદના RTO સર્કલ ખાતે સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા સંચાલિત અતિ લોકપ્રિય જેલ ભજીયા હાઉસનો કાયાકલ્પ થઈ ગયો છે. ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ તરફ જતા માર્ગ પર સ્થિત આ ઐતિહાસિક ફૂડ આઉટલેટને રૂ. 2.5 કરોડથી વધુના ખર્ચે ત્રણ માળનું નવું ભવન બનાવી નયનરમ્ય ‘હેરિટેજ લૂક’ આપવામાં આવ્યો છે.

ત્રણ માળની ઈમારતની વિશેષતા અને આયોજન

નવનિર્મિત ભવનમાં ગ્રાહકો માટે 'જેલર અને કેદી' યુનિક થીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં જેલ પ્રશાસનના વાતાવરણ વચ્ચે મુલાકાતીઓ ભોજન અને ઈતિહાસ બંનેનો અનુભવ મેળવી શકશે.

ગ્રાઉન્ડ ફ્લોર: ગ્રાઉન્ડ ફ્લોર પર પરંપરાગત સ્વાદિષ્ટ ભજીયા અને અન્ય ફરસાણના વેચાણ માટે કાઉન્ટર/સેલરૂમ બનાવવામાં આવશે. તેમજ મુલાકાતીઓ ગરમાગરમભજીયાનો આનંદ માણી શકે તે માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

પ્રથમ માળ: પ્રથમ માળે ડાઈનિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં જેલના કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી પૌષ્ટિક અને સાત્વિક 'ગાંધી થાળી' પીરસવામાં આવશે, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

બીજો માળ: બીજા માળે આઝાદીના આંદોલન સમયે સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદ રહેલા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના ઐતિહાસિક સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ અને ફોટો ગેલેરી તૈયાર કરવામાં આવી છે.

સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં મ્યુઝિયમનું નિર્માણ

બીજા માળે તૈયાર કરવામાં આવેલા મ્યુઝિયમમાં પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી અને લોકમાન્ય તિલક જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલમાં વિતાવેલા સમય અને સ્મૃતિઓને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદના ફૂડ કલ્ચરનો અભિન્ન અંગ બની ચૂકેલા જેલ ભજીયા હાઉસનું ટર્નઓવર પણ નોંધપાત્ર રહ્યું છે.

આ નવનિર્મિત ભવનમાં મુલાકાતીઓ માટે રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને વિશેષ મ્યુઝિયમનો સમાવેશ થાય છે. રાજ્યના જેલ DGP ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ જેલ ભજીયા હાઉસને હેરિટેજ લુક આપવાનો સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. આ નવપ્રકલ્પનો મુખ્ય હેતુ કેદીઓમાં રહેલા કૌશલ્યને પ્રોત્સાહન આપી સમાજમાં તેમના સુધારણા અને પુનર્વસન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો છે.