Ahmedabad News: અમદાવાદ RTO ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા જેલ ભજિયા હાઉસને નવો હેરિટેજ લૂક અપાશે. RTO સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળના અત્યાધુનિક જેલ ભજિયા હાઉસને હેરિટેજ લૂક આપવા આશરે 2.40 કરોડથી વધુનો ખર્ચ કરાશે. જેલર, કેદી અને જેલની અંદરના માહોલની થીમ પર 3 માળનું હાઉસ તૈયાર થશે. સાબરમતી જેલમાં રહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલમાં વિતાવેલા સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ પણ બનાવાશે.
RTO ખાતે જેલ ભજિયા હાઉસનું બાંધકામ શરૂ કરાયું છે. બીજા માળ પર આઝાદી સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય તિલક જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે. નવા જેલ ભજિયા હાઉસમાં ગાંધી થાળી આકર્ષણનું કેન્દ્ર બનશે.
હાલમાં જેલ ભજિયા હાઉસને સાબરમતી મધ્યસ્થ જેલની બાજુમાં ખસેડવામાં આવ્યું છે. આ ઉપરાંત RTO સર્કલ ખાતે નવા તૈયાર હાઉસનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. અમદાવાદ જેલ ભજિયા હાઉસ ખાતે કેદીઓ દ્વારા વર્ષ 2023-24માં કુલ 86.47 લાખનું ટર્ન ઓવર કરવામાં આવ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
