ISRO Cyclone Red Alert: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લીકેશન્સ સેન્ટર (SAC) ના વૈજ્ઞાનિકોએ કરેલા એક અભ્યાસ મુજબ આ વર્ષના અંતમાં અરબ સાગરમાં છેલ્લા 44 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટકી શકે છે, જેને લઈને 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર વાવાઝોડાનું ગંભીર જોખમ ઊભું થયું છે.
વર્ષ 2026 ના અંતમાં વાવાઝોડાની આગાહી
વૈજ્ઞાનિકોના અભ્યાસ અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડી સહિત ઉત્તર હિંદ મહાસાગરમાં 3 જેટલા ચક્રવાત સર્જાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ અભ્યાસમાં જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું છેલ્લા 44 વર્ષ દરમિયાન આવેલા વાવાઝોડાના સરેરાશ કરતા 83 ટકા વધુ શક્તિશાળી હશે.
છેલ્લા 44 વર્ષના સરેરાશથી બમણી તીવ્રતા
ઈસરોના વૈજ્ઞાનિકોના અંદાજ અનુસાર, આ સીઝનમાં ચક્રવાતોની કુલ તીવ્રતા અને તે કેટલો સમય ટકી શકે તે દર્શાવતો પાવર ડિસિપેશન ઈન્ડેક્સ 13.06 મિલિયન નોટ્સ રહેવાનો અંદાજ છે. 1982 થી 2025 ની સરેરાશ 7.15 મિલિયન નોટ્સ સામે આ અંદાજ ઘણો વધારે છે. સેટેલાઈટ તેમજ વાતાવરણ અને સમુદ્રના લાંબા ગાળાના ડેટાના આધારે આ મહત્વપૂર્ણ ગણતરી તૈયાર કરવામાં આવી છે.
આગાહી મોડેલ અને 40 વર્ષના ડેટાનો અભ્યાસ
આ અગાઉથી જાણકારી મેળવવા માટે ઈસરોના વિજ્ઞાનીઓએ 1982 થી 2021 સુધીના 40 વર્ષના વૈશ્વિક વાતાવરણ અને દરિયાના ડેટાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આ આગાહી માટે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન દરિયાની સપાટીનું તાપમાન, વાતાવરણનું દબાણ અને પવનની ઝડપમાં થયેલા ફેરફારોને ટ્રેક કરવામાં આવ્યા છે.
આ અભ્યાસના આધારે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન કેટલી ચક્રવાતી પ્રવૃત્તિ થઈ શકે તેનો આંકડાકીય અંદાજ લગાવાયો છે. આ સમગ્ર પદ્ધતિ ઈસરોના વિજ્ઞાનીઓ નીરુ જેસવાલ અને રણધીર સિંહ દ્વારા તૈયાર કરવામાં આવેલા આંકડાકીય આગાહી મોડેલ પર આધારિત છે.
93 ટકા સુધીની સમાનતા અને ચોક્કસ ગણતરી
આ મોડેલમાં માત્ર વાવાઝોડાની સંખ્યા જ નહીં, પરંતુ પવનની ઝડપ, તીવ્રતા અને વાવાઝોડું કેટલો સમય ટકી શકે તે પણ ગણતરીમાં લેવાયું છે. 44 વર્ષના ડેટા સાથે આ મોડેલનું પરીક્ષણ કરવામાં આવતાં વાવાઝોડાની સંખ્યા માટે r = 0.92 અને તીવ્રતા માટે r = 0.93 નો મજબૂત મેળ જોવા મળ્યો હતો. એટલે કે અગાઉ જ્યારે ચક્રવાત આવ્યા ત્યારની પરિસ્થિતિ અને અત્યારની વર્તમાન સ્થિતિ વચ્ચે 93 ટકા સુધીની સમાનતા જોવા મળી છે.
