Ahmedabad IPL 2026 Final: IPL 2026 ફાઇનલ મેચ માટે અમદાવાદ અને વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તૈયાર છે. બીજી તરફ આ હાઈ વોલ્ટેજ મુકાબલાને પગલે શહેરના હોટલ, ટ્રાવેલ, રેસ્ટોરન્ટ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ભારે ઉત્સાહ નોંધાયો છે. ક્રિકેટ રસિકો હજારો રૂપિયા ખર્ચવા તૈયાર છે, જેનો આખી બિઝનેસ સર્કિટને મોટો ફાયદો થવાનો છે.
હોટલ ઉદ્યોગ: એક રાતના સ્ટે માટે રૂ. 36,000
IPL 2026 ફાઈનલ મુકાબલા પહેલા 30 અને 31 મે દરમિયાન અમદાવાદની મોટાભાગની પ્રીમિયમ હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીના જણાવ્યા અનુસાર, વેકેશનના કારણે યંગસ્ટર્સમાં મેચ જોવાનો ક્રેઝ વધારે છે, જેથી હોટલ ઇન્ડસ્ટ્રીને અંદાજે 150 થી 200 કરોડનો વધારાનો નફો થઈ શકે છે.
અમદાવાદ શહેરમાં અત્યારે 200 જેટલી 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલ મળીને કુલ 20 હજાર જેટલા રૂમ ઉપલબ્ધ છે, અને મેચના કારણે તમામ રૂમ બુક થઈ જાય તેવો અંદાજ છે. જે હોટલના ભાવ સામાન્ય દિવસોમાં 8-10 હજાર રહેતા, તે હવે 25 થી 30 હજારને પાર પહોંચી ગયા છે.
અમદાવાદની પ્રીમિયમ હોટલોના અંદાજિત ભાડા
| હોટલ | ભાડું |
|---|---|
| હયાત (વસ્ત્રાપુર) | રૂ. 36,300 |
| તાજ સ્કાયલાઈન | રૂ. 35,990 |
| હયાત રેજન્સી (આશ્રમ રોડ) | રૂ. 34,220 |
| બિઝનોટેલ પ્રાઇડ(મોટેરા) | રૂ. 29,027 |
| લે મેરિડીયન | રૂ. 27,140 |
| એપ્રિકોટ હોટલ (મોટેરા) | રૂ. 25,498 |
| ડબલ ટ્રી બાય હિલટોન | રૂ. 21,240 |
| ક્રિસ્ટલ પેલેસ | રૂ. 20,562 |
| નોવોટેલ | રૂ. 20,060 |
| વિવાંતા | રૂ. 18,880 |
| રોયલ કમ્ફર્ટ | રૂ. 18,461 |
| પ્રવેગ્સ ગ્રાન્ડ યુલોજીયા | રૂ. 17,479 |
| ધ લીલા (ગાંધીનગર) | રૂ. 15,930 |
| ધ હાઉસ ઓફ એમજી | રૂ. 14,912 |
| ગેટવે સિંધુભવન | રૂ. 12,390 |
જે પણ લોકો મેચ જોવા આવશે તે ઓછામાં ઓછું એક દિવસ હોટલમાં રોકાવાના હોવાથી હોટેલના રૂમના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને એસજી હાઇવે, મોટેરા, ચાંદખેડા અને ગાંધીનગર વિસ્તારની હોટલોની સૌથી વધારે ડિમાન્ડ છે.
ફ્લાઇટ ઉદ્યોગ: ટિકિટ 38,000 સુધી પહોંચી
દેશભરમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ મેચ જોવા અમદાવાદ આવી રહ્યા છે. મુસાફરીના સૌથી ઝડપી માધ્યમ એવા ફ્લાઈટની ટિકિટોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. ફ્લાઇટના ભાડામાં 38,000 રૂપિયા સુધી વધી ગયા છે. સામાન્ય દિવસોમાં 7000-8000 વાળું ભાડું હાલ 38,000 થઈ ગયું છે. આ ઉપરાંત ટ્રેન અને બસ ટિકિટોની ડિમાન્ડ પણ ખૂબ જ વધી ગઈ છે.
મુખ્ય શહેરોથી અમદાવાદની ફ્લાઈટના ભાવ
| રૂટ | સામાન્ય દિવસોમાં ભાડું | હાલનું ભાડું | અંદાજિત વધારો |
|---|---|---|---|
| મુંબઈ-અમદાવાદ | 4000-5000 | 15000 | 10000 |
| દિલ્હી-અમદાવાદ | 5000-6000 | 20500 | 14500 |
| બેંગાલુરૂ-અમદાવાદ | 7000-8000 | 23100 | 15000 |
| ચેન્નઈ-અમદાવાદ | 7000-8000 | 21500 | 13500 |
| કોલકાતા-અમદાવાદ | 7000-8000 | 38000 | 30000 |
| જયપુર-અમદાવાદ | 4000-5000 | 16000 | 11000 |
| હૈદરાબાદ-અમદાવાદ | 6000-7000 | 32000 | 25000 |
| અમૃતસર-અમદાવાદ | 7000-8000 | 32000 | 24000 |
સ્પોર્ટ્સ અને કોન્સર્ટ ઈકોનોમીનો વિકાસ
અમદાવાદ માટે રમતગમત ઇવેન્ટ અને મ્યુઝિક કોન્સર્ટ માત્ર એક ઈવેન્ટ નથી રહી, પરંતુ તે એક “ઈકોનોમિક એન્જિન” બની ગઈ છે. કોલ્ડપ્લે કોન્સર્ટ થી લઈને વર્લ્ડ કપ ફાઇનલ અને હવે IPL ફાઇનલ સુધીની ઇવેન્ટ્સ થકી સાબિત થયું છે કે મોટી ઇવેન્ટ્સ શહેરની અર્થવ્યવસ્થાને સીધો ફાયદો પહોંચાડે છે, અને હજારો લોકોને હંગામી રોજગારી પૂરી પાડે છે.
નરેન્દ્ર સોમાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી મોટી મેચોને કારણે નવી બ્રાન્ડ પણ હોટલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે, જેથી આગામી સમયમાં હોટલ અને રૂમની કેપિસિટી ડબલ થઈ જવાની પૂરી સંભાવના છે.
