Ahmedabad Railway Station: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણ, પરિચાલન ક્ષમતાના વિસ્તરણ અને મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને યાર્ડ રિમોડેલિંગના ભાગરૂપે દેશમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી ભારતીય રેલવેની પરંપરાગત ટ્રેનો દોડાવવા માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે.
દેશમાં પ્રથમ પ્રયોગ: બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે તૈયાર થયાં નવાં પ્લેટફોર્મ
મુંબઈ–અમદાવાદ હાઈસ્પીડ રેલ પરિયોજના અંતર્ગત વિકસાવવામાં આવેલા અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની બરાબર નીચે ભારતીય રેલવેની પરંપરાગત ટ્રેનો માટે પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 તથા સંબંધિત નવી બ્રોડગેજ લાઇન નંબર 16, 17 અને 18 તૈયાર કરાયા છે.
આ અનોખા તકનીકી સમન્વયથી આવનારા સમયમાં વંદે ભારત એક્સપ્રેસ, સુપરફાસ્ટ એક્સપ્રેસ અને લોકલ પેસેન્જર ટ્રેનોનું સંચાલન શક્ય બનશે.
રેલવે સંરક્ષા કમિશનર (CRS), પશ્ચિમ સર્કલ, મુંબઈના ઈ. શ્રીનિવાસ દ્વારા આ તમામ લાઈનોનું સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

જુલાઈ 2022થી બંધ પ્લેટફોર્મ નંબર 10 ફરી ધમધમશે
હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના કામકાજના કારણે અમદાવાદ સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 10 જુલાઈ 2022થી બંધ કરવામાં આવ્યું હતું. હવે નવનિર્મિત બ્રોડગેજ લાઈન અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પૂર્ણ થતાં પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 પરથી ટૂંક સમયમાં જ ટ્રેનોનું પરિચાલન પુનઃ શરૂ થશે. સંરક્ષા મંજૂરી અને જરૂરી ઔપચારિકતાઓ પૂરી થયા બાદ પેસેન્જર સેવાઓ શરૂ કરાશે.
અસારવા–સાબરમતી વચ્ચે નવી ‘Y-કનેક્ટિવિટી’ બાયપાસ લાઇન
અમદાવાદ શહેર અને આસપાસના રેલવે ટ્રાફિકને સુચારુ બનાવવા માટે અસારવા રેલવે સ્ટેશન અને સાબરમતી ‘એ’ કેબિન વચ્ચે નવી બ્રોડગેજ બાયપાસ લાઇન (Y-કનેક્ટિવિટી) તૈયાર કરવામાં આવી છે. રેલવે સંરક્ષા કમિશનરે આ લાઇનનું પણ નિરીક્ષણ કર્યું છે, જેનાથી ભવિષ્યમાં ડાયવર્ઝન અને ટ્રેનોના રૂટ આયોજનમાં મોટી મદદ મળશે.
અમદાવાદ–કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનનો વિકાસ

અમદાવાદ રેલવે સ્ટેશન અને કાંકરિયા ડેપો વચ્ચે 5મી નવી રેલવે લાઇન વિકસાવવામાં આવી છે. આ વધારાની લાઈનથી-
રેલવે યાર્ડમાં ટ્રાફિકનું ભારણ ઘટશે.
ટ્રેનોના ટાઇમિંગ અને અવરજવરનું વ્યવસ્થાપન વધુ સુદ્રઢ બનશે.
ઓપરેશનલ અવરોધો દુર થવાથી ટ્રેનો સમયસર દોડાવી શકાશે.
મીટરગેજના વારસાથી બુલેટ ટ્રેનના યુગ સુધીની સફર
અમદાવાદ સ્ટેશનનો રેલવે ઇતિહાસ ભાતીગળ રહ્યો છે. વર્ષ 2017 સુધી પ્લેટફોર્મ નંબર 11 અને 12 પરથી મીટરગેજ ટ્રેનો ચાલતી હતી.
ભૂતકાળનું નેટવર્ક: અમદાવાદ–હિંમતનગર, ઉદયપુર, ખેડબ્રહ્મા, નાંદોલ–દહેગામ વચ્ચે 8 જોડી પેસેન્જર ટ્રેનો તથા મહેસાણા, બોટાદ, રાણુજ વચ્ચે અન્ય 5 જોડી મીટરગેજ ટ્રેનો ચાલતી હતી.
આધુનિક પરિવર્તન: સમય જતાં ગેજ કન્વર્ઝન અને હવે બુલેટ ટ્રેન સ્ટેશન સાથેના ઇન્ટીગ્રેશનથી અમદાવાદ સ્ટેશને આધુનિકતાનો નવો અધ્યાય શરૂ કર્યો છે.

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં CRS નિરીક્ષણ
સુરક્ષા નિરીક્ષણ દરમિયાન રેલવે સંરક્ષા કમિશનર ઈ. શ્રીનિવાસ ઉપરાંત અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશ, મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા સહિત નિર્માણ અને ઓપન લાઇન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
DRM વેદ પ્રકાશનું નિવેદન- બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે ભારતીય રેલવેની ટ્રેનો માટે નવાં પ્લેટફોર્મ અને લાઈનોનું નિર્માણ પૂર્ણ થવું એ આધુનિકીકરણની દિશામાં ઐતિહાસિક પગલું છે. સુરક્ષા મંજૂરી મળતાં જ મુસાફરો માટે આ સેવાઓ ખુલ્લી મુકવામાં આવશે.
