અમદાવાદ: હીરામણી સ્કૂલને સરકારી પ્લોટની ફાળવણી અટકી, મૂલ્યાંકન બાદ AMC કરશે હરાજી; જાણો સમગ્ર મામલો

પૂર્વ સાંસદ નરહરિ અમીનને શૈક્ષણિક હેતુ માટે આશરે ₹65 કરોડનો પ્લોટ ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 30 Oct 2026 10:41 PM (IST)Updated: Fri, 30 Oct 2026 10:41 PM (IST)
ahmedabad-hiramani-school-plot-auction-amc-withdraws-narhari-amin-proposal

Ahmedabad News: અમદાવાદના SG હાઈવે પર આવેલી પૂર્વ સાંસદ નરહરિ અમીનની હીરામણી સ્કૂલ કેમ્પસમાં સ્થિત સરકારી પ્લોટને શૈક્ષણિક હેતુ માટે ફાળવવાની દરખાસ્તને AMC ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા પરત ખેંચી લેવામાં આવી છે. આશરે ₹65 કરોડના પ્લોટને મૂલ્યાંકન કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં તેની ચોક્કસ વેલ્યુ નક્કી કર્યા બાદ મનપા દ્વારા જાહેર હરાજી મારફતે પ્લોટની આખરી ફાળવણી કરવામાં આવશે.

ભાજપના પૂર્વ સાંસદ નરહરિ અમીન સંચાલિત જન સહાયક ટ્રસ્ટ-હીરામણી સ્કૂલ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના પાર્કિંગ હેતુ માટેનાપ્લોટનો હેતુફેર કરીને તેને શૈક્ષણિક હેતુ માટે ફાળવી આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્લોટ હીરામણી સ્કૂલના કેમ્પસ વિસ્તારમાં જ છે અને વર્ષોથી તેનો ઉપયોગ પાર્કિંગ તરીકે થઈ રહ્યો છે. આ પ્રાઈમ લોકેશન પર આવેલ પ્લોટની હાલની બજાર કિંમત ₹65 કરોડથી પણ વધુ થાય છે.

પ્લોટની વિગતો અને વિવાદનું મુખ્ય કારણ

SG હાઈવે પર છારોડી-ઓગણજ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાને કપાતમાં 2608 ચોરસ મીટરનો સામાજિક માળખાકીય સુવિધા માટેનો પાર્કિંગ હેતુનો પ્લોટ મળ્યો હતો. આ 2608 ચોરસ મીટરનો પ્લોટ પૂર્વ સાંસદ નરહરિ અમીન દ્વારા વાર્ષિક ₹2.44 લાખ ભરીને ભાડે લેવામાં આવ્યો છે અને હાલ આ વાર્ષિક ભાડા કરાર યથાવત રહેશે.

જો આ પ્લોટનો હેતુફેર કરીને શૈક્ષણિક હેતુ માટે ફાળવણી કરવામાં આવે, તો નિયમ મુજબ ટ્રસ્ટે AMCને મૂળ કિંમતના માત્ર 50 ટકા રકમ જ ચૂકવવી પડે. ભાજપના જ કોર્પોરેટરો દ્વારા મુકાયેલી આ દરખાસ્ત જો મંજૂર થઈ હોત તો કોર્પોરેશનને 50 ટકા જેટલી રકમનું આર્થિક નુકસાન વેઠવું પડે તેમ હતું.

ચેરમેનની સ્પષ્ટતા અને આગામી આયોજન

આ સમગ્ર મામલે વિવાદ વકરતા ટાઉન એન્ડ પ્લાનિંગ (TP) કમિટીમાં દરખાસ્ત પરત લેવાઈ છે. TP કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું કે, જન સહાયક ટ્રસ્ટ હીરામણી સ્કૂલ દ્વારા 2608 ચોરસ મીટરનાપ્લોટને હેતુફેર કરી શૈક્ષણિક હેતુ માટે જાહેર હરાજીથી નિકાલ કરવા અંગે જે દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને હાલ પૂરતી પરત ખેંચી લેવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ અંગે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલ પૂરતું પ્લોટનું વાર્ષિક ભાડું ભરીને ઉપયોગ કરવાનો કરાર યથાવત રહેશે અને ભવિષ્યમાં મૂલ્યાંકન કમિટી દ્વારા કિંમત નક્કી થયા બાદ જ જાહેર હરાજીથી તેનો આખરી નિકાલ કરવામાં આવશે.