અમદાવાદમાં દિવાળી પહેલા AMC ના ફૂડ વિભાગની લાલ આંખ: શાહીબાગ અને ગાંધી રોડ પર ચાર ખાદ્ય એકમો સીલ

અમદાવાદમાં દિવાળીના તહેવારો ટાણે AMC હેલ્થ ફૂડ વિભાગની સઘન તપાસ. શાહીબાગ અને ગાંધી રોડ પર સ્વચ્છતાના નિયમો ન પાળનાર 4 ખાદ્ય એકમો સીલ કરાયા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 30 Oct 2026 08:23 PM (IST)Updated: Fri, 30 Oct 2026 08:23 PM (IST)
ahmedabad-amc-seals-4-food-units-ahead-of-diwali-over-hygiene

AMC Raid in Ahmedabad: દિવાળીના તહેવારો હવે એકદમ નજીક આવી ગયા છે, ત્યારે શહેરમાં મીઠાઈ અને ફરસાણની માંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય અને બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થો સંપૂર્ણપણે સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત મળી રહે તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો હેલ્થ ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. જાહેર આરોગ્યના હિતમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખાણી-પીણીની વસ્તુઓનું સંગ્રહ, ઉત્પાદન અને વેચાણ કરતા એકમો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઝુંબેશના ભાગરૂપે હેલ્થ ફૂડ વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક તવાઈ બોલાવીને નિયમોનું ઉલ્લંઘન કરતા ચાર મોટા ખાદ્ય ઉત્પાદન એકમો વિરુદ્ધ કડક સીલિંગની કાર્યવાહી હાથ ધરી છે.

સ્વસ્તિક ફુડ્સ (શાહીબાગ) - સીલિંગની કાર્યવાહી

શાહીબાગ વિસ્તારમાં આવેલા મહેશ્વરી એસ્ટેટ ખાતે ધમધમતી આ ફેક્ટરીમાં તપાસ દરમિયાન ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. એકમની તપાસ વખતે તળવા માટે વપરાતા ખાદ્ય તેલના વપરાશ બાદ વધેલા તેલ (Use Cooking Oil)ના યોગ્ય નિકાલ માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ એજન્સી સાથે કરાર કરવામાં આવ્યો ન હતો.

આ ઉપરાંત, એકમના પરિસરમાં ફ્લોરિંગ, ટાઇલ્સ અને વ્હાઇટ વૉશની વ્યવસ્થા સાવ નબળી અને અયોગ્ય જણાઈ હતી. કામ કરતા કારીગરો દ્વારા સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમ મુજબ કેપ, એપ્રન, માસ્ક કે હેન્ડ ગ્લોવ્સનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો ન હતો અને FSSAIના Schedule-4 મુજબ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવાની જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાનું માલૂમ પડ્યું હતું.

શ્યામ સુંદર ફુડ પ્રોડક્ટ્સ (તાવડીપુરા, દુધેશ્વર રોડ) સામે પગલાં

દુધેશ્વર રોડ પર આવેલી આ પ્રોડક્ટ્સ યુનિટમાં પણ તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. અહીં ઉત્પાદિત થતા ખાદ્ય પદાર્થોનું પેકેજિંગ અને લેબલિંગ પ્રવર્તમાન નિયમો (Packaging & Labelling Regulations) મુજબ કરવામાં આવતું ન હતું. યુનિટની અંદર FSSAIના Schedule-4ના ધારાધોરણો મુજબ ઉત્પાદન અને સંગ્રહ વખતે રાખવાની થતી સ્વચ્છતાની પરિસ્થિતિ જાળવવામાં આવતી નહોતી તેમજ વધેલા વપરાશી તેલના વૈજ્ઞાનિક અને યોગ્ય નિકાલ માટે સરકારી માન્યતા પ્રાપ્ત એજન્સી સાથેનો કરાર પણ ગેરહાજર હતો.

ગાંધી રોડ પર આવેલા નામાંકિત એકમો સીલ

શહેરના ગાંધી રોડ પર જૂની પ્રતાપ સિનેમા પાસે આવેલા પ્રકાશકુમાર કનૈયાલાલ અને અમરતલાલ કુબેરદાસ નમકીનવાલા નામના બંને એકમોમાં જ્યારે હેલ્થ ટીમ પહોંચી ત્યારે ત્યાં સ્થિતિ અત્યંત દયનીય હતી. તપાસ દરમિયાન બંને સ્થળોએ હાઇજેનિક કન્ડિશન (Hygienic Condition) અત્યંત નબળી અને અસ્વચ્છ જોવા મળી હતી. ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ ટાણે પાળવાના થતા સાફ-સફાઈના સામાન્ય નિયમોની પણ અહીં પરવા કરવામાં આવતી નહોતી અને જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે સીધા ખેલવામાં આવતા હોવાથી તાત્કાલિક અસરથી આ બંને એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે, તેમજ તેમની પાસે પણ વપરાયેલા ખાદ્ય તેલના નિકાલ માટેની માન્યતા પ્રાપ્ત એજન્સી સાથેનો કરાર નહોતો મળ્યો.

ખાદ્ય તેલના વપરાશ અંગે AMCની કડક સૂચના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે જે ખાદ્ય ધંધાકીય એકમોમાં ખાણી-પીણીની વસ્તુઓ તળવા માટે દરરોજ 50 કિલોગ્રામથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ થતો હોય, તેમણે સરકારની ગાઇડલાઇન મુજબ વપરાયેલ તેલના યોગ્ય સંગ્રહ અને નિકાલ માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા કે એજન્સી સાથે ફરજિયાત કરાર કરવાનો રહેશે.

આ વપરાયેલા તેલનો અનધિકૃત રીતે પુનઃઉપયોગ (Reuse) ન થાય તે સુનિશ્ચિત કરવું દરેક એકમની જવાબદારી છે. જો ભવિષ્યની તપાસમાં કોઈ પણ એકમ વગર કરારે કાર્યરત ઝડપાશે, તો તેની સામે ભારે દંડ અને સીલ સુધીની આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ખાદ્ય વેપારીઓ અને એકમો માટે મહત્ત્વની અપીલ

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને AMCના હેલ્થ ફુડ વિભાગ દ્વારા તમામ મીઠાઈ, ફરસાણ અને પેકેજ્ડ ફૂડ બનાવતા વેપારીઓને નીચેની બાબતોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરાઈ છે-

  • ખાદ્ય પદાર્થો બનાવવાની જગ્યાએ અને ગોડાઉનમાં સંપૂર્ણ સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવું.
  • ઉત્પાદનમાં વપરાતી કાચી સામગ્રી અને પદાર્થોની ગુણવત્તા ઉત્તમ હોવી જોઈએ.
  • કામદારો પાસે ફરજિયાતપણે કેપ, એપ્રન, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરાવવો.
  • FSSAIની Schedule-4ની તમામ ગાઇડલાઇનનું અક્ષરસઃ પાલન કરવું.
  • પેકેજ્ડ ફૂડ પરના લેબલ્સ અને પેકેજિંગ પ્રવર્તમાન કાયદાકીય નિયમો મુજબ જ હોવા જોઈએ.
  • દરરોજ 50 કિ.ગ્રા.થી વધુ તેલ વાપરતા એકમોએ તેલના નિકાલ માટે માન્યતા પ્રાપ્ત એજન્સી સાથે કરાર કરી તેની અમલવારી સુનિશ્ચિત કરવી.

તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આ તપાસ અભિયાન સતત ચાલુ રહેશે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ના નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ શખ્સ કે પેઢીને છોડવામાં આવશે નહીં.