Ahmedabad Heavy Rain: અમદાવાદ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ રમેશે જણાવ્યું કે, શહેરમાં કેટલાક વિસ્તારોમાં એક જ કલાકમાં 4 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. સવારે પડેલા ભારે વરસાદને કારણે નોકરી-ધંધે જતા નાગરિકો અને વાહનચાલકો પાણીમાં ફસાતાં ઠેર-ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.
અઢી ઈંચ વરસાદથી 235 સ્થળોએ પાણી ભરાયા
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ચાંદખેડા, સાયન્સ સીટી, વટવા, વિરાટનગર, મણીનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, ઈસનપુર, ગોમતીપુર, ઓઢવ, મનમોહન પાર્ક, SP રિંગ રોડ અને વસ્ત્રાલમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના વિસ્તારોમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો છે.અમદાવાદ શહેરમાં સરેરાશ બે ઈંચ વરસાદમાં જ જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થાય છે. વરસાદના કારણે શહેરમાં કુલ 235 જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેમાંથી 150થી વધુ સ્થળો પરથી પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને બાકીના સ્થળો પર નિકાલની કામગીરી ચાલુ છે.
ડ્રેનેજ લાઈન બેક મારતા નાગરિકોને ભારે હાલાકી
શહેરમાં પાણી ભરાતા મુખ્ય 18 જંકશનોમાંથી 4 કલાક બાદ પણ 10 જગ્યાઓ પર પાણીના નિકાલની કામગીરી બાકી રહી છે. આ ઉપરાંત ચેનપુર અંડરપાસ પાસે જગતપુર તરફ જતી ડ્રેનેજ લાઈન બેક મારવાના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ ડ્રેનેજ સમસ્યાના કારણે જીવન વીરા રેસિડેન્સી, વૃંદાવન પામ બંગ્લોઝ અને સરોવર ફ્લેટ સહિતની સોસાયટીના રહીશોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
બપોરે 2 વાગ્યા બાદ ભારે વરસાદની આગાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, જો હવે વધુ વરસાદ નહીં આવે તો બપોર સુધીમાં તમામ સ્થળોએથી પાણીનો નિકાલ થઈ જશે. પરંતુ બપોરે 2 વાગ્યા બાદ ફરી ભારે વરસાદની આગાહી હોવાથી કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે વધુ પાણી ભરાતા હોય તેવા વિસ્તારમાં જવાનું ટાળવું. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
