Ahmedabad: ગુજરાતમાં અનેક ઠેકાણે અવારનવાર ડિગ્રી વિના તબીબી પ્રેક્ટીસ કરતાં બોગસ તબીબો ઝડપાતા હોય છે, પરંતુ અમદાવાદના ગ્રામ્ય પંથકમાંથી બોગસ ડૉક્ટર દ્વારા ચલાવવામાં આવતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ હતી. હવે આ બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની વધુ એક હોસ્પિટલને આરોગ્ય વિભાગે સીલ માર્યું છે.
હકીકતમાં અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને મૃત બાળકીના પરિવારજનો દ્વારા ઉતારીને વાયરલ કરવામાં આવેલો વીડિયો મળ્યો હતો. જેમાં બાવળાની અનન્યા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલી બાળકી સવારે સ્વસ્થ હતી. જો કે હોસ્પિટલના તબીબે દીકરીના રિપોર્ટ આપ્યા વિના તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતુ. આખરે મોડી રાતે બાળકીનું મોત થયું હતુ.
આ વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા બોગસ ડોક્ટર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદ CDHO ડૉ. શૈલેષ પરમારની આગેવાનીમાં પોલીસને સાથે રાખીને બાવળાની અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ હોસ્પિટલ ડિગ્રી વિના બની બેઠેલો તબીબ મેહુલ ચાવડા ચલાવતો હોવાનું ધ્યાને આવ્યું હતુ. જેથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્પિટના રેકોર્ડની તપાસ હાથ હાથ ધરીને હોસ્પિટલને સીલ માર્યું હતુ.
જે બાદ બોગસ તબીબ મેહુલ ચાવડા મોરૈયા ખાતે વધુ એક હોસ્પિટલ ચલાવતો હોવાનું ધ્યાને આવ્યું હતુ. જેથી આરોગ્ય વિભાગ દ્વારા તે હોસ્પિટલને પણ સીલ મારવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા બિન અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોમાં ફકરાટ ફેલાયો છે.
