Gujarat Vidyapith Hostel Food Safety: મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓ અને ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થીઓને સાથે રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકર્તાઓએ હોસ્ટેલની મેસમાં 'સ્ટુડન્ટ રેડ' કરી હતી. આ રેડ દરમિયાન ભોજનમાં વપરાતી વિવિધ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સડેલા ડુંગળી-ટામેટા અને એક્સપાયરી ડેટ વગરનું ભોજન
ચેકિંગ દરમિયાન શાકભાજીમાં વપરાતી મોટા ભાગની ડુંગળી અને ટામેટા સડેલા હોવાનો આક્ષેપ ABVPના કાર્યકર્તાઓએ કર્યો છે. આ ઉપરાંત કેટલીક ખાદ્ય સામગ્રીના પેકિંગ પણ એક્સપાયર થયેલી હોવાનું તથા કેટલીક સામગ્રી પર એક્સપાયરી તારીખ પણ લખેલી ન હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓના ભોજનની ગુણવત્તા અને સલામતી સાથે બેદરકારી દાખવવા બદલ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
વરસાદી પાણી અને ગંદકી વચ્ચે જમવા મજબૂર વિદ્યાર્થીઓ
આ પહેલાં અમદાવાદમાં ભારે વરસાદને કારણે હોસ્ટેલની મેસમાં ગંદા પાણી ઘૂસી ગયા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. મેસના પાણીમાં કાનખજૂરો તરતો હોવા છતાં વિદ્યાર્થીઓ માટે અન્ય કોઈ જગ્યાએ જમવાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી વિદ્યાર્થીઓ પાણીમાં ઉભા રહીને જમવા મજબૂર બન્યા હતા.
અનઅધિકૃત પ્રવેશ કરી ધમાલ મચાવ્યાનો ABVP પર આક્ષેપ
બીજી તરફ, ABVPના કાર્યકર્તાઓએ હોસ્ટેલમાં જઈને ચેકિંગ કરવાની ઘટનાને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વખોડી મોડી રાત્રે અનઅધિકૃત પ્રવેશ મેળવી ધમાલ મચાવી આશાંતિનું વાતાવરણ ઊભું કર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. પોલીસ આવ્યા બાદ સમગ્ર ઘટના સંદર્ભે સંબંધિત કાર્યકર્તાઓ દ્વારા માફી માંગી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
