Ahmedabad GMDC Navratri 2026: વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પાસ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટતા, 'આ એક ટોકન સિસ્ટમ છે'

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મારું તો એવું માનવું છે કે કોંગ્રેસે આ આખી ડિટેઇલ વાંચી નથી. બાકી આ પ્રયાસ એમને ખુબ ગમત, હું આખી ડિટેઇલ એમને પણ એક પત્રના માધ્યમથી મોકલીશ.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 27 Sep 2026 04:18 PM (IST)Updated: Sun, 27 Sep 2026 04:18 PM (IST)
ahmedabad-gmdc-navratri-2026-harsh-sanghavi-clarifies-pass-issue-calls-it-a-token-system

GMDC Navratri 2026: અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં આ વર્ષે 23 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ગરબા માટે શુલ્ક વસૂલવામાં આવશે. ખેલૈયાઓ અને ગરબા રસિકોએ હવે રૂ. 100 થી રૂ. 3,000 સુધીના ઓનલાઇન પાસ ખરીદવા પડશે. જેને લઇને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છેકે, આ કોઇ પાસ સિસ્ટમ નથી પણ ટોકન સિસ્ટમ છે. નાગરિકોને સરકારી કચેરીએ જવું ન પડે એ માટે આ સુવિધા ઉભી કરવામાં આવી છે.

પાસ સિસ્ટમ નથી...એક ટોકન સિસ્ટમ છે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ સિસ્ટમ નથી આ ટોકન સિસ્ટમ છે. અને સો રૂપિયા એના માટે રાખવામાં આવ્યા છે કે સામાન્ય રીતે ફ્રી પાસ એ સરકારી ડિપાર્ટમેન્ટમાંથી ક્યાંકથી લેવા જવા મુકવા એ બધું ના કરવું પડે. અને કોઈ પણ સામાન્ય પરિવાર સીધું ઓનલાઈન પાસ બુક કરાવી શકે. ના બરાબર ટોકન અમાઉન્ટ રાખવામાં આવી છે એના માટે કે વધુમાં વધુ લોકો અને સામાન્ય નાગરિકો સીધા એ ગરબામાં ભાગ લઈ શકે. પાસીસ જે ઓનલાઈન મુકવામાં આવ્યા છે, એની જોડે જોડે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ એ ખુબ સારો પ્રયાસ કર્યો છે. ગુજરાતના જે મહાનગરપાલિકા અને આસપાસના ગામડાઓના લોકોને મોકલવા પાસ, દિવ્યાંગ છોકરાઓને ફ્રીમાં લાવવા લઈ જવાની વ્યવસ્થાઓ કરવી. મારું તો એવું માનવું છે કે કોંગ્રેસે આ આખી ડિટેઇલ વાંચી નથી. બાકી આ પ્રયાસ એમને ખુબ ગમત, હું આખી ડિટેઇલ એમને પણ એક પત્રના માધ્યમથી મોકલીશ.

વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પ્રવેશ માટે પાસ સિસ્ટમ

GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પ્રવેશ માટે પાસ સિસ્ટમ અમલી બનાવી છે. પ્રથમ નોરતે મફત પ્રવેશ અપાશે. ત્યારબાદ બીજાથી નવમા નોરતા સુધી પાસ થકી પ્રવેશ આપવામાં આવશે. આ પાસનું બુકિંગ ખાનગી એપ પર શરૂ કરાયું છે અને GMDC ગ્રાઉન્ડને બે ઝોનમાં — 'સેલિબ્રેશન ઝોન' અને 'પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન' — વિભાજિત કરવામાં આવ્યું છે. ‘સેલિબ્રેશન ઝોન’માં વ્યક્તિગત ખેલૈયાઓ માટે બીજાથી પાંચમાં નોરતા સુધી રૂ. 100 અને છઠ્ઠાથી નવમાં નોરતા સુધી રૂ. 250 નો ચાર્જ રહેશે. જ્યારે ગૃપ બુકિંગ માટે આ જ ઝોનમાં અનુક્રમે રૂ. 300 થી 900 અને રૂ. 750 થી 1,500 સુધીના પાસ ઉપલબ્ધ છે. ‘પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન’માં વ્યક્તિગત પ્રવેશ માટે બીજાથી પાંચમાં નોરતા સુધી રૂ. 200 અને છઠ્ઠાથી નવમાં નોરતા સુધી રૂ. 500 શુલ્ક લેવાશે. ગૃપ પાસ માટેના દર રૂ. 600 થી 1,200 અને રૂ. 1,500 થી 3,000 સુધી નિર્ધારિત કરાયા છે.

જ્યાં વિનામૂલ્યે ગરબા થતાં ત્યાં પણ પાસ સિસ્ટમ લાવી દેવાઈ

આ અંગે કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા જે વાઇબ્રન્ટ નવરાત્રીનો ઉત્સવ અમદાવાદમાં ઉજવાતો હતો, હવે તેની ગરીબ અને મધ્યમ વર્ગ જોડે ફી લેવામાં આવશે, પાસ વેચવામાં આવશે. ખાનગી ક્લબો અને ખાનગી પાર્ટી પ્લોટોમાં જે પ્રકારે ગરબાનું વેપારીકરણ થઇ ગયું છે, હવે સરકાર દ્વારા પણ એ જ દિશામાં પગલા લેવાઇ રહ્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડના પાસીસ આજે બુક માય શો પર વેચાઈ રહ્યા છે. સો રૂપિયા, અઢીસો રૂપિયા, બારસો રૂપિયા થી લઈને ત્રણ-ત્રણ હજાર રૂપિયા સુધીના પાસીસ, ગ્રુપ પાસીસ બુક માય શો ઉપર વેચાઈ રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વિનામૂલ્યે જે ગરબા થતા હોય ત્યાં માણવા, માં જગદંબાની આરાધના કરવા જતા હોય, હવે તેના ઉપર પણ આ પાસ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે.