અમદાવાદ પહોંચી દેશની પ્રથમ સ્વદેશી મેટ્રો ટ્રેન, ગરબા થીમથી સજ્જ; જાણો ક્યારથી અને કયા રૂટ પર દોડશે આ ડ્રાઈવરલેસ ટ્રેન

ભારતની પ્રથમ સ્વદેશી મેટ્રો ટ્રેન કોલકાતાના ટીટાગઢ રેલ સિસ્ટમ્સના પ્લાન્ટમાં નિર્માણ પામી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 22 Sep 2026 11:20 AM (IST)Updated: Tue, 22 Sep 2026 11:20 AM (IST)
ahmedabad-gandhinagar-indigenous-driverless-metro-train-route-titagarh-rail-systems
Ahmedabad Indigenous Driverless Metro Train

Ahmedabad Indigenous Driverless Metro Train: અમદાવાદ-ગાંધીનગરના મેટ્રો નેટવર્કમાં સ્વદેશીકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ નવા પ્રોજેક્ટ હેઠળ ગરબાની થીમથી સજ્જ કરવામાં આવેલી દેશની સૌથી પહેલી સ્વદેશી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન ગ્યાસપુર ડેપો ખાતે આવી પહોંચી છે. ટેસ્ટિંગ અને મેઈન્ટેનન્સ બાદ જાન્યુઆરી 2027 થી આ મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર રૂટ પર દોડે તેવી શક્યતા છે.

દક્ષિણ કોરિયાની 32 મેટ્રો વચ્ચે સ્વદેશી ટ્રેન

હાલમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં દક્ષિણ કોરિયાની 32 મેટ્રો ટ્રેનો કાર્યરત છે . આ વિદેશી ટ્રેનો વચ્ચે હવે કોલકાતાના ટીટાગઢ રેલ સિસ્ટમ્સના અદ્યતન પ્લાન્ટમાં નિર્મિત ભારતની પ્રથમ સ્વદેશી મેટ્રો ટ્રેનની સફળ એન્ટ્રી થઈ ચૂકી છે. પ્રાથમિક ચકાસણી અને જરૂરી ટ્રાયલ બાદ આ ટ્રેનને ખાસ કરીને ગાંધીનગર રૂટ પર દોડાવવામાં આવશે.

મહાત્મા મંદિર સુધીના ગાંધીનગર રુટ પર દોડશે

રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન અને કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા આગામી દિવસોમાં તેનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ આ સ્વદેશી ડ્રાઈવરલેસમેટ્રોને ટ્રેક પર દોડાવવાની મંજૂરી અપાશે. નવા વર્ષ 2027 ના જાન્યુઆરી માસમાં દેશની ‘પ્રથમ સ્વદેશી મેટ્રો' મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના ગાંધીનગર રૂટ પર દોડતી કરાશે. 

અન્ય 9 સ્વદેશી મેટ્રો ટ્રેનોની તબક્કાવાર એન્ટ્રી

શહેરી સંચાલનમાં ભારતીય એન્જિનિયરિંગ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. આ સફળ પ્રારંભ બાદ આગામી સમયમાં અન્ય 9 સ્વદેશી મેટ્રો ટ્રેનો તબક્કાવાર ઉમેરવામાં આવશે. સ્થાનિક સંસ્કૃતિ અને ગરબાની થીમવાળી સ્વદેશી મેટ્રો ટ્રેન મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે પરિવહનને સુગમ અને આધુનિક બનાવશે.