અમદાવાદ: દિવાળી પૂર્વે AMCની ફૂડ સેફ્ટી ડ્રાઈવ, સૌરાષ્ટ્ર ગાંઠીયા સહિત બે ખાદ્ય એકમ સીલ

માધવપુરામાં આવેલ ગાયત્રી ચવાણા માર્ટ FSSAI લાયસન્સ વગર જ ચાલતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 03 Nov 2026 07:31 PM (IST)Updated: Tue, 03 Nov 2026 07:31 PM (IST)
ahmedabad-food-safety-drive-amc-sealed-saurashtra-gathiya-gayatri-chavana-mart-food-units

Ahmedabad Food Safety Drive: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. હેલ્થ ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું સંગ્રહ, ઉત્પાદન તથા વેચાણ કરતા એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી, જેના ભાગરૂપે નિયમોનું ઉલ્લંઘન કરતા 2 ખાદ્ય ઉત્પાદન એકમો સામે સીલિંગ સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

માધવપુરાના ગંજ બજારની સામે આવેલા ગાયત્રી ચવાણા માર્ટમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે FSSAI લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર જ ગેરકાયદેસર રીતે ધંધો ચલાવવામાં આવતો હતો. આ ઉપરાંત અહીં કામ કરતા કારીગરો સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણો મુજબ કેપ, એપ્રન, માસ્ક કે હેન્ડ ગ્લોવ્સ જેવા સુરક્ષા સાધનોનો ઉપયોગ કરતા નહોતા. આમ વિવિધ નિયમોના ઉલ્લંઘન બદલ આ એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

બીજી તરફ, સરખેજના ઉજાલા સર્કલ નજીક સ્થિત સૌરાષ્ટ્ર ભજીયા એન્ડ ગાંઠિયામાં પણ તપાસ કરતા ગંભીર ખામીઓ સામે આવતા તેને સીલ કરવામાં આવ્યું છે. અહીં ખાદ્ય પદાર્થો તળવા માટે વપરાતા તેલનું TPC (Total Polar Compounds) પ્રમાણ નિયત મર્યાદા કરતાં 25% થી વધુ હતું. વધુમાં, FSSAI લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ધંધો કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. કારીગરો પણ સ્વચ્છતા ધોરણો મુજબ કેપ, એપ્રન, માસ્ક કે હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરતા નહોતા.

દિવાળીના તહેવારો પૂર્વે અમદાવાદ શહેરમાં મિઠાઈ તથા ફરસાણની માંગમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ મીઠાઈ-ફરસાણ ઉત્પાદકો, પેકેજ્ડ ફૂડ ઉત્પાદકો તથા અન્ય ખાદ્ય વેપારીઓને ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

AMC હેલ્થ ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું કે, દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોના જાહેર આરોગ્યની સુરક્ષા જાળવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા એકમો ખાતે તપાસની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કાયદાકીય જોગવાઈઓ અનુસાર ભારે દંડથી લઈને સીલ કરવા સુધીની આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે.