અમદાવાદના થલતેજના મેગ્નેટ પાર્કમાં આગનો બનાવઃ 30થી વધુ લોકો ફસાયા હતા, જીવ બચાવવા કૂદેલા એક યુવકનું મોત

જીવ બચાવવા માટે બે કર્મચારીઓએ બારમાંથી સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો. જેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 03 Nov 2026 01:01 PM (IST)Updated: Tue, 03 Nov 2026 01:01 PM (IST)
ahmedabad-fire-rajkot-youth-dies-after-jumping-to-escape-fire-at-thaltej

Ahmedabad News: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ પાર્ક સ્થિત એક કંપનીમાં આગનો બનાવ બન્યો હતો. 30થી વધુ લોકો ફસાયા હતા. આગથી બચવા માટે કૂદેલા એક યુવકનું ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવક રાજકોટનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અન્ય એક વ્યક્તિ પણ કૂદ્યો હતો, જેને ગંભીર ઇજા પહોંચી હોય તેની સારવાર ચાલી રહી છે.આ ઉપરાંત પાંચ લોકોને ગુંગળામણ અને ઇજાઓ થતાં સોલા સિવિલમાં ખસેડાયા હતા.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, થલતેજના મેગ્નેટ પાર્કમાં બીજા માળે આવેલી એક આઇટી કંપનીમાં રાત્રીના 9.30 વાગ્યાની આસપાસ આગનો બનાવ બન્યો હતો. કંપનીમાં આગ લાગી એ સમયે 30થી વધુ લોકો ત્યાં કામ કરી રહ્યાં હતા. આગ લાગવાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગની ઘટનામાં જીવ બચાવવા માટે કેટલાક લોકો સીડી મારફત નીચે ઉતર્યા હતા. જીવ બચાવવા માટે બે કર્મચારીઓએ બારમાંથી સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો. જેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, આગથી ઘટનામાં નીચે પડી જવાથી રાજકોટના રહેવાસી અને પકવાન ચાર રસ્તા પાસે પીજીમાં રહેતા રચિત પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ દાખલ છે. આગનો બનાવ બન્યો હોવાની જાણ થતાં સ્થાનિકો પહોંચ્યા હતા. બારીમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહેલાનો લોકોને બચાવવા માટે સ્થાનિકો દ્વારા સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સ્નોર્કલ અને સીડીનો ઉપયોગ કરીને ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સ્પષ્ટ થયું હતું. યુવકના મોત બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.