Ahmedabad Magnet Park Fire: અમદાવાદ શહેરના થલતેજમાં ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલા મેગ્નેટ પાર્ક બિલ્ડિંગના બીજા માળે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. જોકે, ફાયર વિભાગના જવાનોએ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો અને કૂલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. આ બનાવમાં જાનહાની નોંધાઈ નથી. જોકે, જીવ બચાવવા બારીમાંથી કૂદેલા બે લોકોને ઈજાઓ પહોંચી છે.
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, થલતેજમાં સ્થિત મેગ્નેટ પાર્ક બિલ્ડિંગની ઓફિસોમાં સામાન્ય દિવસની જેમ કર્મચારીઓ નિયમિત કામકાજ કરી રહ્યા હતા. બીજા માળે અચાનક ધુમાડા સાથે આગની જ્વાળાઓ દેખાઈ હતી. થોડીવારમાં જ ધુમાડાના ગોટેગોટા સમગ્ર ફ્લોર પર પ્રસરી જતા કર્મચારીઓનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.
આગ લાગતા સમગ્ર પરિસરમાં ભારે નાસભાગ મચી ગઈ અને અનેક લોકો જીવ બચાવવા માટે છજા પર ઊભા રહી ગયા હતા. આગના કારણે સર્જાયેલા ધુમાડાએ મુખ્ય એક્ઝિટ માર્ગને ઘેરી લેવા કેટલાક કર્મચારીઓ અંદર જ ફસાઈ ગયા હતા. ધુમાડાને લીધે શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતા કર્મચારીઓમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
જીવ જોખમમાં મુકાયેલો જોઈને અંદર કામ કરતા 2 કર્મચારીઓએ બારીમાંથી સીધા ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો. ઉંચાઈથી નીચે પડવાના કારણે બંને કર્મચારીઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. હાજર સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓએ ત્વરિત માનવતા દાખવીનેબંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આગની ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા નજીકના ફાયર સ્ટેશનોમાંથી 6 ફાયર ફાઈટરો અને રેસ્ક્યુ વાન સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. ફાયર જવાનોએ એક તરફથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી, જ્યારે બીજી તરફથી બિલ્ડિંગમાં ફસાયેલા અન્ય 3 લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.
ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીને પગલે મોટી જાનહાનિ ટળી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો અને કૂલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. આગની આ ઘટનામાં ઓફિસના ફર્નિચર અને અન્ય સાધન-સામગ્રીને નુકસાન પહોંચ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
