Ahmedabad: હવે ટુ-થ્રી વ્હીલર માટે પણ અમદાવાદમાં ફાસ્ટ EV ચાર્જિંગ સ્ટેશન શરૂ, માત્ર 30 મિનિટમાં વાહન થશે ચાર્જ

અમદાવાદમાં 11 નવા હાઈ-સ્પીડ ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 31 Mar 2026 09:19 AM (IST)Updated: Tue, 31 Mar 2026 09:19 AM (IST)
ahmedabad-fast-ev-charging-stations-for-two-three-wheelers-on-ppp-basis
HIGHLIGHTS
  • અમદાવાદમાં 11 ફાસ્ટ EV ચાર્જિંગ સ્ટેશન શરૂ
  • ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર પણ ચાર્જ કરી શકાશે
  • પ્રતિ યુનિટ અંદાજે 20 રૂપિયાનો ચાર્જ લેવાશે

Ahmedabad EV charging station: ઇલેક્ટ્રિક વાહનો (EV) ના વધતા ક્રેઝ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા PPP મોડલ પર 11 નવા હાઈ-સ્પીડ ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી શહેરમાં માત્ર ફોર-વ્હીલર માટે જ ફાસ્ટ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ હવે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોને પણ આ ફાસ્ટ ચાર્જિંગનો લાભ મળશે.

માત્ર 30 મિનિટમાં વાહન ચાર્જ થશે

આ નવી સુવિધાથી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કે રિક્ષા માત્ર 25 થી 30 મિનિટમાં જ 80 ટકા જેટલી ચાર્જ થઈ શકશે. વાહનચાલકોએ આ માટે પ્રતિ યુનિટ અંદાજે 20 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. જો વાહનમાં 4 કિલો વોટની (4 kW) બેટરી હોય, તો તેને સંપૂર્ણ ચાર્જ કરવાનો ખર્ચ અંદાજે 80 રૂપિયા જેટલો થશે.

આ વિસ્તારમાં શરૂ થયા ચાર્જિંગ સ્ટેશન

PPP મોડલ હેઠળ શહેરના 10 મહત્વના વિસ્તારો અને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં 1 મળીને કુલ 11 સ્થળોએ આ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ચાર્જિંગ સ્ટેશનો પર ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોને ચાર્જ કરી શકાશે.

  • પશ્ચિમ અમદાવાદ: સિંધુભવન રોડ, પ્રહલાદનગર, ગુલબાઈ ટેકરા, ઇન્કમ ટેક્સ, ચાંદખેડા અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (ગેટ નં. 1).
  • પૂર્વ અમદાવાદ: બાપુનગર, નિકોલ, હરિદર્શન અને કાંકરિયા.
  • ગાંધીનગર: ગિફ્ટ સિટી (ફાયર સ્ટેશન પાસે).

આ ઝડપી ચાર્જિંગ સુવિધાથી ખાસ કરીને ડિલિવરી બોયઝ, રિક્ષા ચાલકો અને રોજિંદા ઓફિસ જતા વાહનચાલકોના સમયની મોટી બચત થશે. મોબિલેનના ડિરેક્ટર ગુંજન મહેતાએ સ્પષ્ટ કર્યું છે કે, આ ફાસ્ટ ચાર્જિંગનો પૂરો ફાયદો તે જ ગ્રાહકોને મળશે જેમનાં વાહનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતા હોય.

પર્યાવરણને મોટો ફાયદો, શૂન્ય પ્રદૂષણ

અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનોના વધતા ઉપયોગથી પર્યાવરણ પર ખૂબ હકારાત્મક અસર પડી રહી છે. અત્યાર સુધીમાં તમામ ઈ-વ્હીકલ મળીને કુલ 58,500 વખત ચાર્જ કરાયા છે, જેની પાછળ અંદાજે 5 લાખ યુનિટ વીજ વપરાશ થયો છે. આના પરિણામે હવામાં ભળતો 194 જેટલો કાર્બન ડાયોક્સાઇડ (CO2) બચ્યો છે, અને વાહનો દ્વારા 46 લાખ કિલોમીટરની મુસાફરીમાં શૂન્ય પ્રદૂષણ નોંધાયું છે.