Ahmedabad News: લોકોને છેતરવા માટે સાયબર ગઠિયાઓ અવનવા કિમીયાઓ અજમાવતા હોય છે. ત્યારે વોટ્સએપના માધ્યમથી લગ્નની ડિજિટલ કંકોતરી મોકલીને આશરે 15 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધના વોટ્સએપ પર એપીકે ફાઈલ મોકલીને 15 લાખ પડાવી લીધા હતા. જે અંગે વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે.
વૃદ્ધના વોટ્સએપ પર કંકોતરી મોકલી
મળતી માહિતી પ્રમાણે, શહેરનાં મણિનગરમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધના વોટ્સએપ પર પરિચિત વ્યક્તિના નંબરથી સાયબર ગઠિયાઓએ લગ્નની ડિજિટલ કંકોતરીની એપીકે ફાઈલ મોકલી હતી. વૃદ્ધ સાયબર ગઠિયાઓની આ ચાલથી એકદમ અજાણ હતા. તેઓએ એપીકે ફાઈલ ડાઉનલોડ કરી હતી. પરંતુ વૃદ્ધને એપીકે ફાઈલ શંકાસ્પદ લાગતા તુરંત મોબાઈલમાંથી અનઈન્સ્ટોલ કરી દીધી હતી.
એપીકે ફાઈલથી વૃદ્ધનો ફોન હેક કર્યો
ઠગોએ વૃદ્ધના મોબાઇલમાં એપીકે ફાઈલ મોકલીને હેક કરી લીધો હતો. તેમજ મોબાઈલનું એક્સેસ મેળવી લીધું હતું. ઘટનાના એક મહિના પછી વૃદ્ધને બહાર જવાનું થયું હતું. ત્યારે તેમના મોબાઈલમાં ઘણા ઓટીપી આવવા લાગ્યા હતા. આથી તેમણે આ વાત પોતાની પત્નીને જણાવી હતી. આથી પત્નીએ પોતાના વૃદ્ધ પતિને બેન્ક પાસબુકમાં એન્ટ્રી કરવા કહીને બેન્ક જવા જણાવ્યું હતું.
સાયબર ગઠિયાઓએ 15 લાખ પડાવ્યા
પરંતુ બેન્કમાં ચાલી રહેલી હડતાળના લીધે વૃદ્ધ બેન્કમાં જઈ શક્યા નહોતા. ત્યારબાદ તેઓ બેન્કમાં જઈને પાસબુક પ્રિન્ટ કરાવતા સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. સાયબર ગઠિયાઓએ 26 અલગ અલગ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરીને વૃદ્ધના ખાતામાંથી રુ.15.45 લાખ ગાયબ કરી દીધા હતા. આ મામલે વૃદ્ધે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
