75th Van Mahotsav: અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 75મા વન મહોત્સવની ઉજવણી - 2024 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન ધોળકામાં આવેલી રાય યુનિવર્સિટી ખાતે યોગ બોર્ડના ચેરમેન શિશપાલસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીએ જણાવ્યું હતું કે, પૃથ્વી ઉપર હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે માનવજીવન અસલામતી તરફ જઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ વૃક્ષોમાં થઇ રહેલો ઘટાડો છે. આજથી 75 વર્ષ પહેલા કૃષિપ્રધાન અને પર્યાવરણીયપ્રેમી ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુન્શીએ વૃક્ષ વાવેતર કરવા માટે આહવાન કરી વન મહોત્સવને લોકોત્સવ તરીકે ઉજવણીની શરૂઆત કરી હતી.
આજે આપણે 75મો વન મહોત્સવ ઊજવી રહ્યા છીએ. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'એક પેડ મા કે નામ' અભિયાન ચલાવ્યું છે. તેમના સફળ નેતૃત્વ હેઠળ ગ્રામ્ય વિસ્તારથી લઈને મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણની કામગીરી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગની વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ 1960માં અસ્તિત્વમાં આવ્યો હતો. જેમાં અમદાવાદ જિલ્લાનો કુલ વિસ્તાર 7170 ચો.કિ.મી. છે.
અમદાવાદ જિલ્લામાં 10593 હેકટર અનામત વન વિસ્તાર તથા 109 હેકટર રક્ષિત વન વિસ્તાર મળી કુલ 10,682 હેકટર જંગલ વિસ્તાર આવેલ છે, આ જંગલ વિસ્તાર મુખ્યત્વે ધોલેરા તાલુકામાં આવેલો છે. સરકાર દ્વારા વૃક્ષારોપણ માટે લોકોને પ્રોત્સાહિત કરવા વિવિઘ યોજનાઓ હેઠળ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ પંચાયત, સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, આરોગ્ય કેન્દ્રો સાથે સંકલન કરી મુલ્યથી તથા વિનામૂલ્યે રોપા પૂરા પાડવામાં આવી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
