Diljit Dosanjh Concert Ahmedabad: અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરના રોજ પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટનુ આયોજન થવા જઈ રહ્યું છે, જેને પગલે અમદાવાદ પોલીસે લોખંડી સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણ કરી છે. અગાઉ મળેલી બોમ્બની ધમકીમાં દિલજીત દોસાંજના કોન્સર્ટનો પણ ઉલ્લેખ હોવાથી પોલીસે સ્ટેડિયમની સુરક્ષામાં 1300 પોલીસ જવાનોને તૈનાત કરી દેવાશે. તેમજ કોન્સર્ટ દરમિયાન સતર્કતા દાખવતા ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન તપાસની કામગીરી યથાવત્ત રહેશે.
બોમ્બની ધમકીને લઈને પોલીસ સુસજજ
થોડા સમય પહેલા અમદાવાદમાં પ્રતિષ્ઠિત શાળાઓ, નમો કાર્યાલય અને નમો સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. જેને લઈને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. દિલજીત દોસાંઝના કોન્સર્ટ દરમિયાન સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધમકી મોકલનાર ઈમેલ અને સોશિયલ મીડિયા પર સંદિગ્ધ પોસ્ટ પર સતત મોનિટરિંગ કરશે. આ ઉપરાંત 21 નવેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ ખાતે ઉમટી પડવાના છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવશે.
સીસીટીવી અને ડ્રોન દ્વારા બાજ નજર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોલીસ વિભાગે સુરક્ષાનો મોટો પ્લાન તૈયાર કર્યો છે. સ્ટેડિયમના તમામ ગેટ પર બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવશે. તેમજ કોન્સર્ટ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવે તે માટે ભીડ નિયંત્રણને લગતાં પ્રયાસો કરવામાં આવશે. તેમજ . ડ્રોન કેમેરા અને સીસીટીવીથી તમામ ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર રહેશે,
કોન્સર્ટમાં રહેશે પોલીસનો ચાંપતો બંદોબસ્ત
દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. કોન્સર્ટ દરમિયાન મહિલાઓની છેડતી ન થાય તે માટે શી ટીમ સાદા કપડામાં રહેશે. અને મોબાઇલ ચોરી, ટિકિટની કાળા બજારી કરતાં આવારા અને અસામાજિક તત્વો સામે પોલીસ આકરી અને કડક કાર્યવાહી કરશે. તેમજ કોઈ શંકાસ્પદ વાહન જણાશે તો તેની તપાસ કરાશે. આ ઉપરાંત પોલીસ બંદોબસ્તમાં 1 ડીસીપી, 1 જેસીપી, 22 પીઆઈ, 9 એસીપી, 74 પીએસઆઈ સહિત 1200 પોલીસકર્મીઓનો કાફલો સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવામાં આવ્યો છે.
