અમદાવાદ ડિઝાઇન ચેલેન્જ (ADC) 2026 જાહેર, ડિઝાઇનર્સ અને વિદ્યાર્થીઓ માટે લાખો રૂપિયા જીતવાની સોનેરી તક

અમદાવાદ ડિઝાઇન ચેલેન્જ (ADC) 2026 માટે એન્ટ્રી શરૂ. આર્કિટેક્ચર, ડિઝાઇન અને ફાઇન આર્ટ્સના સર્જકો 31 ઓક્ટોબર સુધી સબમિટ કરી શકે છે એન્ટ્રી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 12 Sep 2026 02:26 AM (IST)Updated: Sat, 12 Sep 2026 02:26 AM (IST)
ahmedabad-design-challenge-adc-2026-announced-a-golden-opportunity-for-designers-and-students-to-win-lakhs-of-rupees

Ahmedabad Design Challenge 2026: અમદાવાદને વધુ જીવંત, વૈશ્વિક કક્ષાના અને ભવિષ્યલક્ષી મહાનગર તરીકે વિકસાવવાના હેતુસર ‘અમદાવાદ ડિઝાઇન ચેલેન્જ (ADC) 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. ધ એસોસિએશન ઑફ ડિઝાઇનર્સ ઑફ ઇન્ડિયા (ADI), અમદાવાદ ચેપ્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ડિઝાઇન સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ સર્જનાત્મક હસ્તક્ષેપ અને ઉત્તમ ડિઝાઇનના માધ્યમથી અમદાવાદના શહેરી તથા સાંસ્કૃતિક પરિદૃશ્યમાં પરિવર્તન લાવવાનો છે. ખાસ કરીને વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમદાવાદને જીવંત અને વિશ્વસ્તરીય મહાનગર તરીકે સ્થાન અપાવવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ચાર સર્જનાત્મક વિશેષતાઓનો સમન્વય

ADC 2026ની વિશેષતા એ છે કે પ્રથમ વખત ડિઝાઇન, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન અને ફાઇન આર્ટ્સ જેવી ચાર સર્જનાત્મક વિશેષતાઓને એકસાથે લાવી અમદાવાદના શહેરી અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપને નવી રીતે પરિકલ્પિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્પર્ધા અંતર્ગત શહેરના મહત્વપૂર્ણ ગેટવે, ટ્રાન્ઝિટ પોઇન્ટ, હેરિટેજ રૂટ્સ અને જાહેર સ્થળોના નવીનીકરણ તથા સુધારણા પર ભાર મૂકવામાં આવશે. સાથે જ સ્થાનિક અમદાવાદી ઓળખને વૈશ્વિક કક્ષાની ડિઝાઇન સાથે જોડીને નાગરિકોના દૈનિક શહેરી જીવનને વધુ સુવિધાજનક અને અનુભૂતિસભર બનાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે. ADC ’26માં ભારત તેમજ વિશ્વભરમાંથી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ બંને ભાગ લઈ શકે છે.

સ્પર્ધા માટેની મુખ્ય ડિઝાઇન થીમ્સ

આ સ્પર્ધા માટે ત્રણ મુખ્ય ડિઝાઇન થીમ નક્કી કરવામાં આવી છે, જેના આધારે સ્પર્ધકોએ પ્રોજેક્ટ તૈયાર કરવાના રહેશે-

વેલકમિંગ ધ વર્લ્ડ: શહેરના મુખ્ય આગમન માર્ગો અને જાહેર પ્રવેશદ્વારો પર વ્યૂહાત્મક ડિઝાઇન હસ્તક્ષેપ દ્વારા મુલાકાતીઓ માટે યાદગાર પ્રથમ છાપ ઊભી કરવાનો વિચાર છે.

સેલિબ્રેટ અમદાવાદીનેસ: અમદાવાદની આગવી ઓળખ, સ્થાનિક સંસ્કૃતિ અને વિશિષ્ટતા દર્શાવતા જાહેર સ્થળો તથા સાંસ્કૃતિક સ્થળો પર અર્થપૂર્ણ ડિઝાઇન હસ્તક્ષેપ કરવાનો ઉદ્દેશ છે.

બિલ્ડીંગ કોમ્યુનિટી એક્સપિરિયન્સીસ: શહેરની ઓછી ઉપયોગમાં લેવાતી શહેરી જગ્યાઓને સામાજિક સંવાદ, મનોરંજન અને સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપતા જીવંત સ્થળોમાં પરિવર્તિત કરવાની કલ્પના કરવામાં આવી છે.

મૂલ્યાંકનના મહત્વના ડિઝાઇન મૂલ્યો

ADC 2026માં માત્ર સર્જનાત્મકતા જ નહીં, પરંતુ કેટલાક વિશેષ મૂલ્યોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

સસ્ટેનેબિલિટી અને સર્ક્યુલારિટી: ડિઝાઇનમાં ઝીરો વેસ્ટ અભિગમ, સર્ક્યુલર ઇકોનોમી, સંસાધનોના પુનઃઉપયોગ અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા જેવા પર્યાવરણલક્ષી વિચારોને પ્રોત્સાહન આપવામાં આવશે.

યુનિવર્સલ એક્સેસિબિલિટી: દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને નાના બાળકો સહિત સૌ કોઈ માટે જાહેર સ્થળો સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવહારુ ડિઝાઇન પર ભાર મૂકવામાં આવ્યો છે.

ઇનોવેશન એન્ડ સ્કેલેબિલિટી: સ્થાનિક સમુદાયોને જોડતી અને શહેરના વિકાસને સહભાગી ઉજવણીમાં પરિવર્તિત કરતી ડિઝાઇન સાથે ટેક્નિકલી શક્ય અને સમગ્ર શહેરમાં વિસ્તારી શકાય તેવા નવીન વિચારોને પ્રાધાન્ય મળશે.

પાત્રતા અને રજીસ્ટ્રેશન ફી

આ સ્પર્ધામાં ડિઝાઇન, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન અને ફાઇન આર્ટ્સ ક્ષેત્રે કાર્યરત સ્વતંત્ર પ્રેક્ટિશનર્સ, કન્સલ્ટન્ટ્સ તેમજ સ્થાપિત સ્ટુડિયો અને ફર્મ્સ સહિતના પ્રોફેશનલ્સ ભાગ લઈ શકશે. આ ઉપરાંત માન્ય સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં સંબંધિત અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ અલગ કેટેગરી રાખવામાં આવી છે. ભાગ લેવા માટે પ્રોફેશનલ્સ માટે પ્રતિ એન્ટ્રી રૂ. 1,000 અને વિદ્યાર્થીઓ માટે પ્રતિ એન્ટ્રી રૂ. 150ની ફી નક્કી કરવામાં આવી છે.

જ્યુરી મૂલ્યાંકન અને ભવિષ્યનું વિઝન

સ્પર્ધામાં પ્રાપ્ત એન્ટ્રીઓનું મૂલ્યાંકન ડિઝાઇન ક્ષેત્રના અગ્રણીઓ, અર્બન થિંકર્સ અને શૈક્ષણિક નિષ્ણાતોની પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલી એન્ટ્રીઓનું ADI અમદાવાદ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે હાઇ-પ્રોફાઇલ પ્રદર્શન યોજીને જાહેર પ્રદર્શન કરવામાં આવશે. ખાસ મહત્વની બાબત એ છે કે વિજેતા એન્ટ્રીઓને એક વિઝનરી મેનિફેસ્ટોમાં સંકલિત કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ રજૂ કરવામાં આવશે, જેથી 2030 પહેલાં શહેરમાં તેના સંભવિત વાસ્તવિક અમલીકરણ અંગે વિચારણા થઈ શકે.

આકર્ષક રોકડ પુરસ્કારો

ઇનામોની વાત કરીએ તો ત્રણેય ડિઝાઇન થીમમાં પ્રોફેશનલ અને વિદ્યાર્થી કેટેગરીના પ્રથમ બે વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે:

પ્રોફેશનલ કેટેગરી: દરેક થીમ માટે પ્રથમ ઇનામ રૂ. 2.50 લાખ અને દ્વિતીય ઇનામ રૂ. 1.50 લાખ રાખવામાં આવ્યું છે.

વિદ્યાર્થી કેટેગરી: દરેક થીમ માટે પ્રથમ ઇનામ રૂ. 60 હજાર અને દ્વિતીય ઇનામ રૂ. 40 હજાર રહેશે.

(આ ઉપરાંત શોર્ટલિસ્ટ થયેલી અને વિશેષ માન્યતા મેળવવા લાયક એન્ટ્રીઓને ભાગીદારીનું પ્રમાણપત્ર આપવામાં આવશે.)

મહત્વની તારીખો અને સમયમર્યાદા

ADC 2026ની સત્તાવાર વેબસાઇટ www.ahmedabaddesign.org પર એન્ટ્રી સબમિટ કરવાની વિગતો નીચે મુજબ છે:

એન્ટ્રી સબમિટ કરવાની અંતિમ તારીખ: 31 ઓક્ટોબર, 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી)

ફાઇનલ જ્યુરી પ્રક્રિયા: નવેમ્બર 2026ના મધ્યમાં

જાહેર પ્રદર્શન અને એવોર્ડ સમારોહ: ડિસેમ્બર 2026ના મધ્યમાં